અમદાવાદ : કર્ણાટક થઇ રહેલ ચૂંટણીને લઈને કોંગ્રેસે મેનીફેસ્ટોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગદળ, PFI જેવા આતંકી સંગઠનો પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ નિવેદન પર બજરંગદળના કાર્યકરોમાં દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું અને રાહુલ ગાંધીના ફોટો વાળા પૂતળાનું દહન કરી અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.
અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યાલય પર હિન્દુ વિરોધી, મલ્લૂ મુલ્લા જેવા લખાણના સ્ટીકર લગાવાયા હતા.અમદાવાદ કોંગ્રેસના કાર્યાલયની સામે પૂતળાદહન કરવામાં આવ્યું હતું. ટોળાએ અહીં ભેગા થઈને કોંગ્રેસ કાર્યાલય પર દેખાવો કર્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ કોંગ્રેસ ઓફિસ પર જય શ્રીરામના નારા લગાવવાની સાથે કોંગ્રેસની અંતિમયાત્રા પણ કાઢી હતી અને કોંગ્રેસના અધ્યક્ષ અને રાહુલ ગાંધીના ફોટો વાળા પૂતળા સળગાવ્યા હતા.
હાલમાં જ કર્ણાટકમાં ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા બજરંગ દળ સામે આતંકી પીએફઆઈ સાથે સરખાવી પ્રતિબંધ મુકવાની વાત કરી છે. જેના દેખાવોમાં બજરંગ દળના યુવાનો લાલઘૂમ થયા છે અને જામનગર બાદ હવે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલય પર દેખાવો કર્યા છે. જો કે અમદાવાદ પોલીસ અંધારામાં રહી ગઈ હતી અને બજરંગદળના યુવાનો અમદાવાદના કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી પુતળા દહન અને વિરોધ પ્રદર્શન કરી આવી હતી.