અમદાવાદ : અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ક્રિકેટના 1800થી 2000 કરોડના સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાયા બાદ એક બાદ એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક આરોપી નિલેશ રામીની ધરપકડ બાદ ચોકવાનારા ખુલાસા સામે આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદના નિલેશ રામીની ઉત્તરાખંડથી ધરપકડ કરી હતી. જે બાદ આરોપી નિલેશના ઘરે વસ્ત્રાલમાં સર્ચ કરતા ક્રિકેટ સટ્ટાના વ્યવહારના 6 ચોપડા મળી આવ્યા.
1800 કરોડના સટ્ટા પ્રકરણમાં માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જેની તપાસમાં એક પછી એક કડીઓ ખુલતી ગઈ પરંતુ આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે ગઈ અને આ તપાસ કરતા કેટલા પોલીસ કર્મચારીઓના નામ સામે આવતા તેની અમદાવાદની બહાર બદલી કરી દેવામાં આવી છે. હવે આ પ્રકરણમાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓનાં કનેક્શન સામે આવ્યા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ગુનામાં પકડી પડાયેલા તમામ આરોપીઓના ઘરે જઈ રેડ કરવામાં આવી રહી છે. જેને લઈ હાલમાં પકડાયેલા ત્રણેય આરોપી રણવીરસિંહ રાજપૂત, ચેતન સોનારા અને પ્રવીણ ઉર્ફે ટીનો પ્રજાપતિના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં રણવીરસિંહ રાજપૂતના ઘરેથી 22.20 લાખ રોકડા સાથે પૈસા ગણવાનું ઇલેક્ટ્રિકલ મશીન અને મોબાઇલ મળી આવ્યા હતા જે તમામ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જોકે રિમાન્ડમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.