અમદાવાદ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં AMC ના મલ્ટિલેવલ પાર્કિંગના ભોંયરામાંથી બિનવારસી હાલતમાં પડેલી 5 વૈભવી ગાડીમાંથી દારૂ-બીયરની 1014 બોટલો પકડાઈ છે. ખાડિયા, જુહાપુરા અને ચાંદખેડાના બુટલેગરો આ પાર્કિંગમાં બિનવારસી ગાડીમાં દારૂની બોટલો છુપાવી રાખતા હતા અને ત્યાંથી ગ્રાહકોને છૂટકમાં વેચતા હતા. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ટીમે મંગળવારે મોડી રાતે દરોડો પાડીને ફોર્ચ્યુનર, ઈનોવા સહિતની 5 ગાડીમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ખાડિયા ઢાળની પોળમાં રહેતા બુટલેગર કુંતલ ભટ્ટ, જુહાપુરાના બુટલેગર મુત્લીફ કાળીયો અને ચાંદખેડા પંચશ્લોક રેસિડેન્સીમાં રહેતા આશિષકુમાર પરમારે 5 ગાડીમાં દારૂ ભરીને નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગમાં મુકી રાખી હોવાની બાતમીના આધારે બ્રાન્ચની ટીમે મંગળવારે રાતે દરોડો પાડી ભોંયરામાંથી પાર્ક કરેલી 5 ગાડીઓ મળી આવી હતી. પોલીસે તે તમામની તપાસ કરતા તેમાંથી દારૂની 918 બોટલ અને બીયરના 96 ટીન (કિંમત રૂ.1.33 લાખ) ના મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ-બિયરનો જથ્થો તેમજ 5 કાર મળીને કુલ રૂ.76.33 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ત્રણેય બુટલેગરો ગાડી મલ્ટિલેવલ પાર્કિંગમાં મૂકી રાખતા હતા. જ્યારે દારૂનો જથ્થો લેવા જવા માટે ગાડી બહાર કાઢતા હતા. તે સિવાય છૂટા છવાયા ગ્રાહકો પાર્કિંગમાં વાહન લઈને આવતા હતા અને દારૂ-બિયરનો જથ્થો લઈને ત્યાંથી જતા રહેતા હતા.5 કાર મળી 76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નવરંગપુરાના મલ્ટિલેવલ પાર્કિંગમાંથી જે 5 ગાડીમાંથી દારૂ -બિયરનો જથ્થો મળ્યો હતો. તે તમામ કાર બિનવારસી હાલતમાં હતી. જેથી આ ગાડીઓમાં જે 3 બુટલેગરનો દારૂ હતો, તેમાંથી એક પણ હજુ સુધી પકડાયો નથી.
દારૂ ભરેલી પાંચેય ગાડીઓ લોક હતી. જેથી ગાડીઓ લઈ જવા પોલીસે ક્રેઈન બોલાવી પડી હતી. પાંચેય ગાડી ક્રેનથી ટો કરીને ક્રાઈમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવી હતી. જ્યારે આ પાંચેય ગાડીઓ કોના નામની છે તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.