અમદાવાદ: રાજ્યમાં હીટ એન્ડ રનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં SG હાઈવે પર વાહનની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી હોવા છતાં બેફામ ગતિએ વાહનો દોડી રહ્યાં છે.આ દરમિયાન હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે.અમદાવાદના SG હાઈવે પર કાર ચાલક માતા અને દીકરીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં માતા અને દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી મહિલા અને તેની દીકરી એસ જી હાઈવે પર સ્થિત YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે બંને માતા પુત્રીને અડફેટે લીધા હતાં. જેમાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે SG હાઈવે પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતાં.
જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવીને માતા અને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.