અમદાવાદ: AMCના હેલ્થ વિભાગ દ્વારા સૌથી ફેમસ KFC રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. KFCમાં અપાતા પાણીમાં કોલીફોર્મ તથા ફિકલ ઈકોલાઇ બેક્ટેરીયાનું પ્રમાણ વધારે માત્રામાં આવતા પાણીનું સેમ્પલ અનફિટ આવેલ છે. જે અંતર્ગત AMC ઉત્તર પશ્ચિમ ઝોન આરોગ્ય વિભાગ દ્વારા KFC રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવી છે. આ ફરિયાદ AMC CCRS એપના માધ્યમથી મળી હતી અને AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
એક જાગૃત નાગરિક દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આલ્ફા વન મોલમાં આવેલી KFC રેસ્ટોરાંમાં ખરાબ જમવાનું અને પાણી મળતું હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન CCRS સિસ્ટમ કરવામાં આવી હતી. તેના ભાગરૂપે 29 મેના રોજ ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ફૂડ અને પાણીનું સેમ્પલ લઇ અને સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલ્યું હતું. જેમાં પાણીમાં કોલીફોર્મ અને ફિકલ ઇકોલાઈ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે આવ્યું હતું. જેથી સેમ્પલ અનફીટ આવતા આજે આ હોટલને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
AMCના આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ પણ ફુડ સેફ્ટી અને આરોગ્ય મુદે સઘન તપાસ શહેરના અલગ અલગ ઝોનમાં ચાલી રહી છે. ઉનાળા સિઝન અને વરસાદી માહોલ વચ્ચે સઘન તપાસ હાથ ધરવામા આવી છે. પરંતુ જાગૃત નાગરિકો દ્વારા પણ આ પ્રકારની ફરિયાદ એેએમસી કરવામાં આવશે તો વધુ સઘન તપાસ AMC કરી શકશે.