અમદાવાદ : અમદાવાદના મણિનગરમાં આવેલા એક સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો છે. જેના પગલે કાટમાળ નીચે અનેક લોકો ફસાઇ ગયા છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. અત્યાર સુધીમાં ફસાયેલા નીચેથી 30 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના મણિનગરમાં ઉત્તમ નગર બગીચા પાસે સલ્મ કવાટર્સ આવાસમાં આજે સવારે 7-00 કલાકે બે બાલ્કનીના ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની બે ગાડી ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી. જે પછી ફસાયેલા 6 બાળકો સહીત 30 લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી, સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.જો કે ઘટના ક્યાં કારણસર બની તેની કોઈ જાણકારી સામે આવેલ નથી.
આ સ્લમ ક્વાર્ટસમાં 8 બ્લોક છે. જેમાં 256 મકાન આવેલા છે. આ આવાસ યોજનામાં આશરે 1500 લોકો રહે છે. આ તમામ ક્વાર્ટર્સ ખૂબ જ જર્જરિત છે.આ આવાસો લગભગ 58 વર્ષ જેટલા જૂના છે. આ મકાનો ખૂબ જ જૂના હોવાના કારણે AMC દ્વારા અનેક વાર આ મકાનોને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા આ આવાસ તોડી પાડવામાં આવ્યા નથી. જો કે અંતે આ દુર્ઘટના ઘટી છે.
ઘટના બન્યા બાદ ધરાશાયી થયેલા કાટમાળનો ભાગ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. સાથે જ મકાનોનો અન્ય જર્જરિત ભાગ ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.