અમદાવાદ : ચોમાસાની શરૂઆતની સાથો-સાથ અમદાવાદમાં રોગચાળાએ પણ માજા મુકી છે. હાલ સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. જેનું એક કારણ બહારનો બિનઆરોગ્ય પ્રદ ખોરાક પણ છે. જેને પગલે અમદાવાદ AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને ખાદ્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન જાણીતા પિઝા હાઉસની વરવી તસવીર સામે આવી. એ તસવીરો જોઈને તમે પિઝા ખાવું જ છોડી દેશો.
પ્રાપ્ત વિગતો મુજબ આજે શહેરના વસ્ત્રાપુરના એક પિઝા આઉટલેટમાં AMCની આરોગ્યની ટીમમાં ચેકિંગ દરમિયાન ગંદકી જોવા મળી. જુઓ પિઝાના આઉટલેટમાં કેવી સ્થિતિમાં પિઝા બની રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા આઉટલેટમાં જ્યાં પિઝા બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં જ ગંદકીના ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા છે. અહી જ્યાં પિઝા માટે લોટનો બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યાં જ માખીઓ ફરતી જોવા મળી હતી.
જ્યાં રોટલા પર મસાલો નાંખીને બનાવીને તૈયાર રાખવામાં આવી રહ્યા છે ત્યાં ચારેકોર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. AMCની આરોગ્ય વિભાગની ટીમ પણ આ આઉટલેટના દ્ર્શ્યો જોઇને ચોંકી ઉઠી હતી. આરોગ્યની ટીમે આ આઉટલેટના સંચાલકને 10 હજારનો દંડ ફટકાર્યો છે. પિઝા માટે વપરાતા ચીઝ સહિતની સામગ્રીઓનું પણ ચેકીંગ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આરોગ્યની ટીમે વસ્ત્રાપરમાં ગાંઠીયા રથના આઉટલેટ પર પણ ચેકીંગ કર્યું હતું અને જે તેલમાં ગઠિયા બનાવવામાં આવી રહ્યા છે તે તેલના નમૂના લઇ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે વરસાદની સીઝનમાં ગંદકીના કારણે અનેક લોકો બીમારીનો ભોગ બનતા હોય છે ત્યારે આ વખતે વરસાદની સીઝનને ધ્યાનમાં રાખીને જ અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે.