અમદાવાદ: બેફામ વાહન ચાલકો અમદાવાદના ઈસ્કોન બ્રિજનું નામ જ જાણે લોહીથી લખી નાખશે. ઇસ્કોન બ્રિજ પર થોડા સમય પહેલા જ નબીરા તથ્ય પટેલે લક્ઝુરિયસ જેગુઆર કારથી નવ લોકોને કચડી માર્યા તે ઘટના હજી ભુલાઈ નથી ત્યાં ગઈકાલે ગુરૂવારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર એક કારચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યું છે. આ બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કારચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. પરિણામે વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. મૃતક યતેન્દ્રસિંહ ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો. જોકે, કારચાલકે રાહદારી બાદ એક બાઈકને પણ ટક્કર મારી હતી.આ વ્યક્તિ એટલો નિર્દયી કે તે અકસ્માત સર્જી ત્યાં ઊભો પણ રહ્યો ન્હોતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે.
આ બનાવની જાણ થતાં ટ્રાફિક એસીપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યક્તિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કાર ચાલક કોણ હતો? તથા કઈ દિશામાં ગયો તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા તથ્ય પટેલ અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. તે ઘટનાના પીડિતો હજુ પણ ન્યાયની ઝંખના કરી રહ્યા છે. ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.