અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને કરેલા તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ પ્રવાસથી પરત આવેલ અમદાવાદ આવેલા નાગરિકને શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર પોલીસ કર્મચારીઓએ રોકી કેસમાં ફસાવી દેવાની ગર્ભિત ધમકી આપી અસબ્ય વર્તન કરી નાણાકીય વ્યવહાર કર્યો હોવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે એરપોર્ટથી આવતા મુસાફરોના ચેકીંગ અંગે અમદાવાદ પોલીસ કમિશનર IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિકે માર્ગદર્શિકા જાહરે કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતેથી આવતા મુસાફરોને પોલીસ દ્વારા થતી હેરાનગતિ બાબતે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં આપવામાં આવેલી સૂચનાની કડક અમલવારી કરવા અંગે અમદાવાદ પોલીસ કમિશનરે નિર્દેશ આપ્યાં છે. આ સૂચનાઓ આ મુજબ છે :
1) નાયબ પોલીસ કમિશનરોએ નિયમિત નાઈટ રાઉન્ડ કરવાની સૂચના.
2) અમદાવાદ એરપોર્ટથી શહેરમાં પ્રવેશ કરતા રોડ પર આવેલા પોઇન્ટ પર વિશેષ ધ્યાન આપવા સૂચના
3) એસપી રીંગ રોડ, એસજી હાઇવે, રિવરફ્રન્ટ, આશ્રમ રોડ વગેરે રોડ પર આવેલ પોલીસ પોઇન્ટ, હોમગાર્ડ પોઈન્ટના કર્મચારીને અચૂક વાહન ચેક કરવાની સૂચના.
4) વાહન ચેકિંગ દરમિયાન વિદેશી નાગરિક કે વિદેશ પ્રવાસથી આવેલ નાગરિક સાથે સભ્યતાપૂર્વક વર્તન રાખવામાં આવે તે અંગે જરૂરી બ્રીફિંગ કરવા અપાઈ સૂચના
5) નાઈટ રાઉન્ડ દરમિયાન બહારથી આવતા નાગરિકોને હેરાનગતિ ન થાય તે માટે ડિકોય ગોઠવવાની સૂચના.
6) તમામ થાણા, પોલીસ સ્ટેશન ખાતે રોલ કોલ રાખી તમામ પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ જવાનોને નાગરિકો સાથે સભ્ય વર્તન રાખે તે માટે કડક સૂચના આપવા નિર્દેશ.
7) નાઈટ રાઉન્ડ ફરજ દરમિયાન તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનો નિયત યુનિફોર્મમાં પોતાની નેમપ્લેટ સાથે જ હોવા જોઈએ. અયોગ્ય જણાય તો શિક્ષાત્મક પગલાં અંગેની કાર્યવાહી કરવા સૂચના.
8) નાઈટ રાઉન્ડ ફરજ દરમિયાન પોતાને ફાળવેલ ફરજના પોઈન્ટ કે પેટ્રોલિંગ રૂટ ઉપર જ પોલીસ કર્મચારી કે અધિકારીઓ તથા હોમગાર્ડના જવાન હોવા જોઈએ.
9) કોઈપણ નાગરિકને પોલીસ કે હોમગાર્ડ દ્વારા ખોટી રીતે કનડગત કે હેરાન કરવામાં આવ્યાં હોવાની રજૂઆત મળે ત્યારે તાત્કાલિક તપાસ કરી કસુર જણાય ત્યારે સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સૂચના.