અમદાવાદ : ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા વિરામ બાદ પરત ફર્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદમાં રાતે શરૂ થયેલો વરસાદ ધીમી ધારે આખી રાત વરસ્યો હતો. જેના લીધે ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો જોવા મળ્યાં હતાં. સતત વરસી રહેલા વરસાદ અને ધુમ્મસ વચ્ચે વહેલી સવારે પણ વાહનોને અવર-જવરમાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યાં અમદાવાદમાં પણ મધ્યરાત્રિથી વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં વટવા, ઈસનપુર, મણિનગર, સરખેજ, જુહાપુરા, એસ.જી.હાઈવે, વાસણા સહિતના મોટાભાગના વિસ્તારોમાં પાણી જ પાણી થઇ ગયું હતું. ચારેકોર વરસાદની સ્થિતિ જોવા મળી હતી. અમદાવાદમાં કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ ચોપડે નોંધાઈ છે.
અમદાવાદમાં સૌથી વધારે મધ્યઝોનમાં 1.05 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.તો આ તરફ દક્ષિણ ઝોનમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જો વાત અમદાવાદના ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ત્યાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો પૂર્વ અમદાવાદમાં 0.6 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, જો કે વરસાદના કારણે એક બાજુ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા અને ઓગસ્ટ માસ સાવ કોરો ધાકોળ જતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો જો કે ફરી ચોમાસુ સક્રિય થતાં સૂકાઇ રહેલા ઉભા પાકને જીવતદાન મળી ગયું છે. જેથી ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ છે.