અમદાવાદ : ગુજરાતમાં આજે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ગણેશ વિસર્જન માટે ભાવિકો દ્વારા ઠેર ઠેર ઢોલ-નગારા સાથે નદી-તળાવો પર જઈને બાપાની મૂર્તિઓનું વિસર્જન કરાશે. અમદાવાદ શહેરમાં પણ ભાવિકો ગણેશજીનું વિસર્જન કરશે. ગણેશોત્સવમાં ગણેશ ભક્તો ઘરે ઘરે, સોસાયટીમાં, મહોલ્લામાં વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે. ત્યારબાદ પૂજા-અર્ચના કર્યા બાદ એક, ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયાર દિવસ બાદ ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આજે તા. 28 સપ્ટેમ્બરે શહેરમાં ભાવિકો સરઘસાકારે જઈને વિધ્નહર્તાને વિદાય આપશે. તેમજ આવતી કાલે તા.29મીના રોજ ઈદે મિલાદનું જલુસ નિકળશે. આ બન્ને તહેવારો દરમિયાન શહેર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં ગણેશ વિસર્જન અને ઈદેમિલાદનો તહેવાર એક સાથે ઉજવાશે. ત્યારે દેશમાં કેટલાક રાજ્યોમાં ઈદે મિલાદનું જુલુસ 29મી સપ્ટેમ્બરે યોજવા નક્કી કરાયું હોવાથી ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના વિસ્તારોમાં 29 સપ્ટેમ્બરે 16 જુલુસ યોજાશે. શહેરમાં કોમી એખલાસ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પણ તૈયારી કરી દીધી છે. મુસ્લિમ બિરાદરોએ 28ની જગ્યાએ 29મીએ જુલુસ કાઢવાની તૈયારી દર્શાવતા પોલીસને પણ રાહત મળી છે. અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન અને કાલે ઈદે મિલાદનો ઉત્સવ ઉજવાશે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જન અને ઈદનું જુલુસ એક સાથે નીકળે તો પોલીસ માટે પડકાર બની શકે એમ હોવાથી પોલીસે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી. અમદાવાદમાં પોલીસે ગણેશ વિસર્જન અને ઈદના જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કડક બંદોબસ્ત ગોઠવવા પ્લાન તૈયાર કરી દીધો છે. શહેરમાં 9 ડીસીપી, 77 પીઆઇ, 200 જેટલા PSI અને હોમગાર્ડ તેની સાથે RAF ની 14 ટુકડી અને SRP ની 1 ટીમ પણ બંને દિવસ શહેરના રસ્તા પર હાજર રહેશે.શહેરમાં કોઈપણ સંજોગોમાં કોમી એખલાસનો માહોલ ન બગડે તે માટેની શહેર પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. (file photo)