અમદાવાદ : સેટેલાઈટમાં રહેતા અને માનસી ચાર રસ્તા નજીક સ્પા ધરાવતા વેપારીએ સ્પાની બ્રાન્ચ શરૂ કરવા તેમજ ફર્નિચર માટે 4 વેપારીઓ પાસેથી માસિક 5 થી 10 ટકાના વ્યાજે દોઢ કરોડ લીધા હતા. જેમાંથી 50 લાખ કરતાં પણ વધારે ચૂકવી દીધા હતા, ત્યારબાદ તે વ્યાજ ચૂકવી નહીં શકતા વ્યાજખોરો કિડની કાઢીને વેચી દેવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાથી આખરે વેપારીએ ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. જેમાં સ્પાના સંચાલક રાજુ કોટીયા નામના વ્યક્તિએ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી કીડની વેચી નાખવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે. સમગ્ર બનાવની વાત કરીએ તો રાજુ ભાઈ કોટીયા પામ્સ વેલનેસ હબ નામની સ્પા મસાજ દુકાન ચલાવે છે. સ્પાનાં વ્યવસાય માટે પૈસા જરૂર હોવાથી તેમણે વર્ષ 2019માં વનરાજસિંહ ચાવડા, મનોજ ખત્રી, હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.
આ ચારેય જણાં દુકાને તેમજ ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની અને કિડની કાઢીને પૈસા વસુલ કરવાની ધમકી આપતા હતા. વ્યાજખોરો રાજુભાઈના પત્નીની ગાડી પણ લઈ ગયા હતા. ઉઘરાણી માટે ત્રાસ વધતા આખરે રાજુભાઈએ સેટેલાઈટમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.