અમદાવાદ : અમદાવાદમાં જમવાની વસ્તુઓમાંથી વંદા નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે.અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે. ગ્રાહકે મંગાવેલા વેજિટેબલ કુલચામાં વંદો નીકળ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ઓસ્ટ્રેલિયાથી આવેલો એક પરિવાર જે ગ્વાલિયા રેસ્ટોરેન્ટમાં જમવા માટે ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ રેસ્ટોરેન્ટમાં હોબાળો મચ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયાથી એક પરિવાર અમદાવાદ તેઓના પપ્પાના ત્યાં આવ્યો હતો, જે જમવા માટે સિંધુભવન રોડ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં ગયા હતા. જ્યાં તેમણે વેજિટેબલ કુલચાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે તેમની નાની દીકરી આ કુલચા આરોગી રહી હતી ત્યારે તેમાંથી વંદો નીકળ્યો હતો. જો કે સમગ્ર ઘટના બાદ રેસ્ટોરેન્ટમાં હોબાળો મચ્યો હતો.આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
તમને જણાવી દઈએ કે બે દિવસ અગાઉ જ નારણપુરા વિસ્તારમાં આવેલી મારુતિનંદન રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન મંગાવેલ સિઝલરના વ્હાઇટ પાસ્તામાંથી ઈયળ નીકળી હતી. યુવતીએ ફૂડની ઓનલાઈન ડિલિવરી મંગાવી હતી.યુવતીએ અડધો ડબ્બો પાસ્તા ખાઈ લીધા બાદ તેને ડબ્બામાંથી જીવાત નીકળતી જોઈ હતી. જીવાત નીકળતાં તેને આ મામલે હોટલનો સંપર્ક કર્યો હતો, જેથી હોટલના સંચાલક દ્વારા તેને નવા પાસ્તા મોકલવાનું કહ્યું હતું.આ મામલે તેણે ઓનલાઇન ફૂડ ઝોમેટોને પણ ઈમેલ કરીને ફરિયાદ કરી છે.