અમદાવાદ : જો તમે વાહન ચલાવતી વખતે નિયમો પાળવામાં બેદરકારી દાખવતા હોવ તો ચેતી જજો. કારણ કે આગામી 15 દિવસ અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત અમલ કરાશે. હાઇકોર્ટના આદેશ મુજબ અમદાવાદના 5 ટ્રાફિક પોઇન્ટ પર નિયમોનું કડક અમલીકરણ કરાશે. નો-પાર્કિંગમાં વાહન પાર્ક કરશો, વધુ ઝડપે વાહન હંકારશો, સિગ્નલ તોડશો, સિટ-બેલ્ટ ન પહેર્યો હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય કે પછી વાહનના દસ્તાવેજ સાથે નહીં હોય તો ટ્રાફિક પોલીસ તમને દંડ ફટકારશે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના 5 ટ્રાફિક પોઇન્ટ પર ડ્રાઇવ ચલાવાશે. આ 5 પોઇન્ટની વાત કરીએ તો સ્ટેડિયમ સર્કલથી પશ્ચિમ ભાગ તરફ આગળ, ઝાયડસ હોસ્પિટલ સર્કલ અને આગળ, જજીસ બંગલો રોડ અને આગળ, થલતેજથી શીલજ રોડ અને પ્રભાત ચોકથી હાઈકોર્ટ જવાના માર્ગ પર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવાશે. આ માર્ગ પર નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે રોડ અકસ્માત ગંભીર સમસ્યા છે. અરજદારે કહ્યું કે આ કેસમાં પાર્કિંગ પોલિસી એફિડેવિટ ઉપર અપાઈ છે. કોર્ટે કહ્યું આગામી 15 દિવસ અમદાવાદમાં 5 સ્થળોએ ટ્રાફિકની દરેક પોલિસી ઉપર કડક અમલ કરાય. નવા વર્ષની ઉજવણીમાં સમસ્યા વધુ હોય છે. તમામ સ્થળોએ આવતીકાલથી જ કામ કરવા કોર્ટે સૂચન કર્યું હતુ. અને જે 5 જગ્યાએ 15 દિવસ પાર્કિંગની સમસ્યાને લઈને સ્ટ્રીક કામગીરી કરાશે, તેનો એહેવાલ કોર્ટ સમક્ષ મુકાશે.