અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં 2024 નું ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતનાં મોટા શહેરોથી માંડીને નાનકડા ગામડા સુધી ઉજવણી કરીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટા શહેરોમાં અનેક સ્થળો પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં લોકો પાર્ટી પ્લોટો મન મુકીને નાચ્યા કુદ્યા હતા.અને જાણીતી ક્લબોમાં અમદાવાદીઓનો જમાવડો જામ્યો હતો અને ઠેર ઠેર નાઇટ પાર્ટી અને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફટાકડા ફોડીને 12 વાગતાની સાથે જ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદમાં પણ નવા વર્ષનું ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરી વિસ્તારમાં કુલ 21 જગ્યાઓ પર મોટાપાયે સેલિબ્રેશનનું આયોજનો કરવામાં આવ્યું હતું. અનેક સોસાયટીઓ પણ નવા વર્ષને આવકારવા નાના-મોટા આયોજનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને એસ.જી.હાઇવે અને સિંધુભવન રોડ સહિત એસ.પી. રિંગરોડ ઉપર DJ પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં લેસર, ડાર્ક લાઈટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ ફેમસ થીમ પર યુવાઓ DJના તાલે ઝૂમ્યા હતા.
જો કે પોલીસે નવા વર્ષની ઉજવણીમાં કોઇ પણ પ્રકારે કાયદો કે વ્યવસ્થા ન જોખમાય તે માટે પણ કડક આયોજન કર્યું હતું. વિવિધ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો કેટલાક સ્થળો પર એન્ટી ડ્રગ કીટ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશ્નર પોતે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ચેકિંગ માટે નીકળ્યાં હતા.
તમને જણાવી દઈએ કે નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદીઓના ફેવરેટ સ્થળો પહેલાથી જ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સીજી રોડ, એસજી હાઇવે અને કાંકરિયા જેવા અનેક વિસ્તારોમાં વાહનોની અવર જવર પર પ્રતિબંધ અથવા આંશિક પ્રતિબંધ લાદી દેવાયો હતો. જેથી લોકો નવા વર્ષની ઉજવણીમાં કોઇ ભંગ ન પડે. લોકોએ ભારે ઉત્સાહ સાથે નવા વર્ષને આવકાર્યું હતું.