અમદાવાદ : અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પુલો અને અન્ય જાહેર સ્થળોના નામ ભગવાન રામ અને રામાયણના અન્ય પાત્રો અને મહાકાવ્યમાં ઉલ્લેખિત સ્થળોના નામ પર રાખવાની દરખાસ્તને મંજૂરી આપી છે. અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં આવેલા વિવિધ પ્રોજેક્ટનું નામકરણ રામાયણ ગ્રંથના આધારે કરવાનું નક્કી કરાયું છે. ઓઢવ અને વિરાટનગરના બ્રિજ, લાઈબ્રેરી અને ગાર્ડનને રામાયણના પાત્રો જેવા કે ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી વગેરેના નામ આપવામાં આવ્યા છે. શહેરના ઓઢવ અને વિરાટનગર વિસ્તારના ગાર્ડન અને બ્રિજના નામ બદલવા અંગેની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોઈ શહીદ, કોઈ રાજકીય વ્યક્તિ કે પછી સામાજિક કાર્યકરના નામ પર રસ્તા, વિસ્તાર, તળાવ, બ્રિજ વિગેરેના નામ રાખવામાં આવતા હતા. પરંતુ હવે રામાયણના પાત્રોના આધારે નામકરણ કરવાનો નિર્ણય કરાયો છે.