અમદાવાદ : આજે સવારે શહેરના ગોતામાં જગતપુર ચાર રસ્તા પાસેના એક કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે આવેલી IT કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગતાની સાથે જ કંપનીમાં રહેલો સ્ટાફ તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો. આગના કારણે હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના જગતપુર ચાર રસ્તા પાસે આવેલા અનંતા એબોડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6માં માળે આવેલી IT કંપનીના સર્વર રૂમમાં આગ લાગવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ જ કોમ્પ્લેક્સમાં બેથી ત્રણ હોસ્પિટલો આવેલી છે જેથી આગ લાગવાની જાણ થતા કેટલાક લોકો નીચે ઉતરી ગયા હતા.
તમને જણાવી દઈએ કે ફાયર બ્રિગેડને કોલ મળતાની સાથે ચાંદખેડા ફાયર સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસિંહ ગઢવી અને અપૂર્વ પટેલ તાત્કાલિક રવાના થયા હતા. રસ્તામાં વીડિયો કોલ મારફતે જ ત્યાંના કોમ્પ્લેક્સની ફાયર ફાઈટર સિસ્ટમથી આગ બુઝાવવા અંગે ત્યાંના લોકોને જાણકારી આપી હતી. જેથી આગ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. આ આગના કારણે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.