અમદાવાદ : પોલીસ કાયદાના પાલન માટે કડકાઈ કરતી હોય છે પણ આ કારણે લોકોના મનમાં પોલીસની નકારાત્મક છાપ ઘર કરી ગઈ છે. પોલીસનું સૂત્ર રહ્યું છે કે પોલીસ પ્રજાનો રક્ષક અને મિત્ર છે. આ ઉક્તિ અમદાવાદ પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી છે. શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ એ વાઘેલાએ કરાવી છે. રસ્તા પર ફુલ-છોડ વેચતા એક વ્યક્તિની સાત વર્ષની દિકરીને હ્દયમાં કાણું હોવાનું પોલીસને માલુમ પડતાં તેમણે જાતે મહેનત કરીને દિકરીના હ્રદયનું ઓપરેશન કરાવી નવું જીવન આપ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઇસનપુરમાં ફુલોની નર્સરીમાં નોકરી કરતા મુકેશ કુશવાહ મૂળ આગ્રાના રહેવાસી છે. તેમની 7 વર્ષની દીકરી સતત બીમાર રહેતી હતી. હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવ્યો તો દીકરીના હદયમાં કાણું હોવાનું જાણવા મળ્યું હતું. જો સમયસર ઈલાજ નહી કરાવે તો દીકરીને ગુમાવવાનો વખત આવવાનો હતો.આ લાચાર પિતા દીકરીના ઈલાજ માટે લાખો રૂપિયા ક્યાંથી લાવશે તે આઘાતમાં હતો. ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ વાઘેલા દેવદૂત બનીને આવ્યા હતા. ફૂટપાથ પર નર્સરીને હટાવવા આવેલા PSIએ એક પિતાની વેદના સાંભળી તો તેમનું હદય પણ ભરાઈ ગયું હતું.તેમણે દિકરીની મેડીકલ ફાઈલ મંગાવીને સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી.
જ્યાં ડોક્ટરે જણાવ્યું હતું કે, દિકરીને હ્દયમાં કાણું ધીમેધીમે મોટું થઈ રહ્યો છે. જો જલ્દીથી ઓપરેશન કરવામાં નહીં આવે તો દિકરીનું બચવું મુશ્કેલ બની જશે. આ બાબત જાણી PSI બીજા જ દિવસે દિકરીના પિતાને લઈને યુ.એન. મહેતા અને સિવિલ હોસ્પિટલમાં ગયાં હતાં અને દિકરીની સારવાર કોઈ સરકારી યોજનામાં કરાવી શકાય છે કે નહીં તેની જાણકારી મેળવી હતી. જરૂરી ડોક્યુમેન્ટનો અભાવ હોવાથી સરકારી લાભ મળવાપાત્ર હતો નહીં. પણ PSIએ દિકરીના પિતાને આશ્વાસન આપ્યું કે, “આ મારી જ દિકરી છે હું એને કશું જ નહીં થવા દઉં તેની સારવાર થશે અને જલ્દીથી સારી થઈ જશે” તેમને 7 વર્ષની દીકરીના ઇલાજનો ખર્ચ સાથે આ પરિવારના ભરણપોષણ માટે પણ મદદરૂપ બન્યા હતા અને પોલીસની માનવતા અને કરુણાની છબી રજૂ કરી હતી.
PSIએ હોસ્પિટલના ઓપરેશનનો તમામ ખર્ચ તો ચૂકવ્યો પરંતુ દીકરીને દરરોજ હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવીને માતા પિતાની હિંમત પણ વધારી રહ્યા છે. કહેવાય છે કે પાંચેય આંગળીઓ સરખી નથી હોતી. તેવું પોલીસ માટે પણ કહેવાય છે. ક્યાંક પ્રેમ અને કરુણા જોવા મળે છે તો ક્યાંય ભ્રષ્ટ અને તોડબાજ છબી પણ સામે આવે છે. પરંતુ આ પરિવાર માટે તો પોલીસ ભગવાન અને દેવદૂત બનીને આવ્યો છે.