અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) પૂર્વ ઝોનમાં ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટરને રૂ.40,000ની લાંચ લેતા એન્ટીકરપ્શન બ્યુરો ની ટીમે રંગે હાથ ઝડપી લીધા છે. ફરીયાદી વ્યક્તિ વટવા GIDC અમદાવાદ ખાતે ઇલેક્ટ્રીક પેનલ બનાવવાનો વ્યવસાય કરે છે. જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસમાં સમયસર વ્યવસાય વેરો ભરતા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનના ટેકસ વિભાગથી રૂ. 89235 વ્યવસાય વેરો ભરેલ નહી હોવા અંગેની નોટીસ મળી હતી. જેથી તેઓએ વિરાટનગર વિસ્તારમાં આવેલી પૂર્વ ઝોનની ઓફિસ ખાતે વોર્ડ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ સિસોદિયાને મળ્યા હતા. અરવિંદસિંહને રજૂઆત કરી હતી કે, તેઓ વ્યવસાય વેરો સમયસર દક્ષિણ ઝોન ખાતે ભરે છે. જેથી, અરવિંદસિંહ જે નોટિસ આવી છે તેનો નંબર કેન્સલ કરાવવો પડશે. જેના માટે વ્યવહાર પેટે 40 હજારની લાંચ માગી હતી.
ફરીયાદી લાંચના નાણા આપવા માગતા ન હોવાથી તેઓએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા ACBની ટીમે વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસ ખાતે લાંચનુ છટકુ ગોઠવી રૂપિયા 40,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધાં હતાં.