અમદાવાદ : અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગુનાહીત પ્રવૃત્તિને લઈને મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદમાં અડધી રાતે એક સાથે છ અલગ અલગ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગે સેલ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડતા મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારુનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.એક જ રાતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અલગ અલગ છ જગ્યાઓ પર દરોડા પાડતા પોલીસમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ SMCની પહેલી રેડમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચાંદલોડિયામાં રેલવેના છાપરા માંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. રેડ દરમ્યાન 78000 નો દેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હિરલબેન દંતાણી કે જે મુખ્ય દારૂનો અડ્ડો ચલાવનાર મહિલા છે તેની પણ ધરપકડ કરી છે.
બીજી રેડમાં ઓઢવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જય કેમિકલ કંપનીના ગેટ નંબર છ સામેથી જાહેર જગ્યા માંથી દેશી દારૂનો અડ્ડો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે 60000 રૂપિયાનો દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કરી ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં દારૂ વેચનાર ત્રણ જેટલા નોકરોની ધરપકડ કરી છે તો સાથે રીતેશ ઉર્ફે માઈકલ સહિત અન્ય બે લોકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.
SMCની ત્રીજી રેડમાં નિકોલ વિસ્તારમાં બહુચર ચાર રસ્તા પાસે આવેલી મહેશ્વરી સોસાયટીના મકાન નંબર 5 માં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે 13000 થી વધુનો દારૂ અને બીયર તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. અહીં દારૂ વેચનાર નોકર કિરણ વસાવાની ધરપકડ કરી છે. જ્યારે લિસ્ટેડ બુટલેગર સુરેશ ભદોરીયા હાલ પોલીસ પકડથી દૂર છે.
SMCની ચોથી રેડમાં વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દામોદર ભુવન લક્ષ્મીનારાયણ મંદિર નજીક આવેલી ચાપાનેર સોસાયટીમાંથી વિદેશી દારૂ તેમજ અન્ય મુદ્દા માલ મળી સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમજ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નિલેશ આર્ય કે જે દારૂનો ધંધો કરતો હતો તેમજ ફરાર આરોપી વીકીને મકાન પણ ભાડે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય બે લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે તેમજ મુખ્ય આરોપી વિકી હાલ પોલીસ પકડથી દૂર છે.
SMCની પાંચમી રેડ ઓઢવ પોલીસ વિસ્તાર મથકમાં આવેલા ચામુંડાનગર માંથી દેશી દારૂનો જથ્થો મળી ત્રણ લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો અને પોલીસે ત્યાં દારૂ પીવા આવનાર 39 લોકોની ધરપકડ કરી છે. અજય ગોહિલ તેમજ પીન્ટુ નામનો વ્યક્તિ દારૂનો અડ્ડો ચલાવતો હતો. આ ઉપરાંત વધુ બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
SMCની છઠ્ઠી રેડમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી બાપા સીતારામ ચોક પાસે આવેલા ઉત્સવ એપાર્ટમેન્ટમાં દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિદેશી દારૂની બોટલ સહિત 58,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ દરોડામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે જ્યારે વધુ એક વ્યક્તિની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનર તરીકે જીએસ માલિક આવ્યા ત્યાર બાદ અન્ય અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરી યોગ્ય કામગીરીઓ કરવા લાગ્યા હતા, પરંતુ સમય જતા ફરીથી શહેરમાં દારૂ અને જુગારના અડ્ડાઓ સક્રિય બન્યા છે જેને ડામવા માટે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ વધુ સક્રિય થયું છે.