અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઇમ બ્રાન્ચ કચેરીની ઈકોનોમિક ઓફેન્સ વિંગ-EOWના ગેટ પાસે મહિલાનો મૃતદેહ મળી આવવાના મામલે એક બાદ એક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૃતક યુવતી અને PI ખાચર વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલા તબીબે ક્રાઈમબ્રાન્ચમાં આત્મહત્યા કરી હતી. સ્યુસાઈડ નોટમાં PI ખાચર તેના મૃતદેહને અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઈમબ્રાન્ચ ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરજ બજાવતા PI બી.કે. ખાચર અને મૃતક યુવતી વચ્ચે અંદાજે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો.જોકે, થોડા સમયથી બંને વચ્ચે અણબનાવ હતો. ત્યારે ગઈકાલે મહિલાએ ઈન્જેક્શન વડે આપઘાત કરતા યુવતીના પરિવારમાં અને ક્રાઈમબ્રાન્ચમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટર વૈશાલી જોશી હોવાનું સામે આવ્યું છે.
વૈશાલી જોશીની ઉંમર 32 વર્ષ હતી અને તે ડોક્ટર હતી અને શિવરંજની પાસે PGમાં રહેતી હતી. આધારભુત સૂત્રો મુજબ છેલ્લા 3-4 દિવસથી મહિલા PI ને મળવા આવતી હતી, પરંતુ કોઈ ને કોઈ સંજોગવશાત મળી શકાતું ન હોવાના કારણે મહિલાએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. ડો.વૈશાલી મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હતી.અમદાવાદના શિવરંજની વિસ્તારમાં વેલી PG માં રહેતી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ મહિલાના મોત બાદ 15 પેજની સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ હોવાના ખુલાસા થયા છે. જેમાં તેને PI બી.કે.ખાચર તેના અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.આ મુદ્દે પોલીસ અધિકારીઓએ મૌન સેવ્યું છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી PI વિરુદ્ધ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી છે.