અમદાવાદ : ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલ બાદ વધુ એક તથ્ય પટેલ આવ્યો છે. અમદાવાદમાં સિંધુભવન રોડ પર વધુ એક પૂરપાટ ઝડપે દોડી રહેલી કારે યુવકને અડફેડે લઈને હવામાં ઉછાડ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 18 વર્ષના જયદીપ સોલંકી નામના યુવકનું મોત થઈ ગયું છે. હવે આ મામલે શહેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતની ઘટના બાદ થાર ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સિંધુભવન રૉડ પર એક નબીરાએ એકનો જીવ લીધો છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં થાર કારથી ટક્કર મારીને એક બાઈક સવારને કચડીને નબીરો ફરાર થઇ ગયો હતો. આ થાર કારે જયદીપ સોલંકીનો જીવ લીધો હતો. ખાસ વાત છે કે, બોપલ ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન જયદીપ સોલંકીનું મોત થઇ ગયુ હતું. ઘટનામાં GJ-27-ED-0106 રજિસ્ટ્રેશનવાળી કાર જપ્ત કરાઇ છે. કાર ચાલક ફરાર ઘટના બાદ ફરાર થઇ ગયો હતો જોકે, પોલીસે થાર કારને જપ્ત કરી લીધી હતી. બનાવ બાદ આસપાસમાં લોકો એકઠા થઈ ગયા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકની મદદ માટે તૈયારી બતાવી હતી. જોકે, જયદીપ સોલંકીનો જીવ બચાવી શકાયો નહોતો. હવે પોલીસે આ મામલે વધુ તપાસ કરીને આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે.
સિંધુભવન રૉડ રોજ રાત્રે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે, અને પોલીસ મૌન રહી રહી છે. અગાઉ પણ સિંધુભવન રૉડ પર અનેક તમાશા થયા છે. સીસીટીવીના નેટવર્કની પોલીસની વાર્તાઓ ફરી પોકળ સાબિત થઇ રહી છે, પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. ઓવરસ્પીડ ડ્રાઈવ એસજી હાઈવે, એસપી રિંગ રૉડ પરનું દૂષણ બની રહ્યું છે. સિંધુભવન રૉડ પર નશેડીઓની ગેરકાયદે પ્રવૃતિ વારંવાર સામે આવી રહી છે.