અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં શિવરંજની પાસે આવેલ કેશવબાગ ચાર રસ્તા પર થયેલ એક ભયંકર રોડ અકસ્માતમાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત થયું હતું. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવામાં જતી યુવતીને ટક્કર મારતા યુવતી 50 મીટર ઢસડાઇ હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે.આ સમગ્ર મામલે કારચાલક યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત 14 માર્ચે ગુરુવારે શિવરંજની પાસે આવેલ કેશવબાગ ચાર રસ્તા પર થયેલ એક ભયંકર રોડ અકસ્માતમાં 21 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ વિશ્વા એક્ટીવા GJ-01-SH-4761 પર જઈ રહી હતી ત્યારે GJ-01-KX-6992 નંબરની કાર ચલાવનાર જોયાંસ નામના યુવકે આ યુવતીને જોરદાર ટક્કર મારી હતી અને 50 મીટર સુધી ઢસડી હતી. આ યુવતીને ગંભીર હાલતે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જયાં ગઈકાલે સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. આ અકસ્માત સર્જનાર અને એક્ટીવા ચાલક યુવતીનું મોત નિપજાવનાર જોયાંસ નામના કાર ચાલક યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે મૃતક 21 વર્ષીય યુવતી વિશ્વા સંજયભાઈ શાહ ગુલાબ ટાવર પાસે આવેલી જે.જી.ઇન્ટરનેશનલ કોલેજમાં ફિઝિયોથેરાપી ડોક્ટરના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.ફિઝિયોથેરાપિસ્ટ 21 વર્ષીય પુત્રીનું અકસ્માતમાં મોત થતા પરિવાર માથે આભ ફાટ્યું છે. જો કે ફિઝિયોથેરાપી ડોક્ટરના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલી પુત્રીનું મોત થતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો છે.