ગાંધીનગર : થોડા સમય પહેલા ગરબાને વિશ્વફલક પર એક અલગ જ ઓળખ મળી છે. દરેક ગુજરાતીને માટે આજે એક ગૌરવની ક્ષણ છે. યુનેસ્કો (UNESCO)એ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની આપી ઓળખ. થોડા સમય પહેલા તેની જાહેરાત કરી દેવામાં આવી હતી. આજે તેનું પ્રમાણપત્ર પણ મળી ગયું છે.
ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું. યુનેસ્કો દ્વારા તા. 6 ડિસેમ્બર 2023 ના રોજ ગરબાને આ સન્માનની જાહેર કરવામાં આવી હતી. 22 માર્ચ 2024 ના રોજ યુનેસ્કોનાં ડાયરેક્ટર જનરલ ઓડ્રે અઝોલે આ પ્રમાણપત્ર પેરિસ ખાતે ગુજરાત વતી મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને વિધિવત અર્પણ કર્યું હતું.
આ વિશે ટ્વિટ(X) કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને સાથે જ કહ્યું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. આદ્યશક્તિના પ્રખર ઉપાસક અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.