અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે શિક્ષકોના હિતમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો.ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વિદ્યાર્થીના હિતમાં કાર્યવાહી આત્મહત્યા દુષ્પ્રેરણાનું કારણ નથી. કોર્ટે કહ્યું હતું કે વિદ્યાર્થીના હિતમાં શિક્ષક આકરા પગલા લેતા હોય છે. શિક્ષક માટે વિદ્યાર્થીનું હિત ઘણું મહત્વનું છે. ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2016ના કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સંવેદના પરિવાર સાથે પણ નિર્દોષને સજા વ્યાજબી નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વર્ષ 2016માં સુરતમાં એક શિક્ષકે વિદ્યાર્થીને તેના ભણતર સંબંધે લાફો માર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીને કોઇ કારણોસર ખોટું લાગી આવતા તેણે આત્મહત્યા કરી હતી.ત્યારબાદ વિદ્યાર્થીના વાલીએ આ શિક્ષક વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી હતી. આ અંગે શિક્ષકે ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે શિક્ષક વિદ્યાર્થીના હિતમાં તેનું ભવિષ્ય જોઈને ઘણીવાર આકરા પગલા લેવા માટે પ્રેરાતા હોય છે. શિક્ષક માટે વિદ્યાર્થીનું હિત વધુ મહત્વનું હોય છે. વિદ્યાર્થીના હિતમાં શિક્ષકે મારેલો લાફો આત્મહત્યાની દુષ્પ્રેરણાનું કારણ ન ગણી શકાય.
આ મામલે કોર્ટે કહ્યું હતું કે કોર્ટની સંવેદના પરિવાર સાથે હોય તો પણ નિર્દોષને સજા કરવી કે કેસ ચલાવવો વ્યાજબી નહી હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.