અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વાહનોમાં નિયમ વિરૂદ્ધ્ વધારાની એલઈડી લાઈટો લગાવવામાં આવે છે. આવી લાઈટ્સને કારણે રાતના સમયે સામેથી આવતા વાહનચાલકો અંજાઈ જતા હોય છે. અને તેના લીધે પણ અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે અમદાવાદ RTO દ્વારા વાહનો પર વધારાની LED લાઈટ્સ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છેય જેમાં અમદાવાદ RTO એ ડ્રાઈવ યોજીને અનઅધિકૃત રીતે વ્હાઇટ LED લાઇટ લગાવનારા 80 વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ RTOકચેરી દ્વારા છેલ્લા 10 દિવસથી આ બાબતે કડક પગલાં લઈને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા એસજી હાઇવે અને સિંધુભવન રોડ પર વટ પાડવા માટે કેટલાક વાહનચાલકો પોતાના વાહન ઉપર વધુ પડતી ભપકાદાર LED લાઇટ લગાવતા હોય છે. તેને કારણે અન્ય વાહન ચાલકોને રાત્રિ દરમિયાન આંખો અંજાઈ જતાં અકસ્માત થવાનો ભય રહે છે. અનઅધિકૃત રીતે વ્હાઇટ LED લાઇટ લગાવનાર વાહનચાલકોને હાલમાં અમદાવાદ RTO દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસ થી ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર કચેરીના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ ટુવ્હીલર, ફોરવ્હીલર, LMVનો સમાવેશ થાય છે. અન અધિકૃત રીતે લગાવેલી વ્હાઇટ LED લાઇટ સામે કડક પગલાં લઈને વાહન ચાલકોને દંડ કરવામાં આવી રહ્યો છે. જેમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી એપ્રિલ મહિનાની 25 તારીખ સુધીમાં 80 વાહન ચાલકો પાસેથી 80,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.