અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પિઝા આઉટલેટમાંથી ખાસ કરીને પિઝામાંથી જીવાત અથવા તો કોઈપણ ચીજવસ્તુ નીકળતી હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શ્લોક રેસિડેન્સી રોડ ઉપર સરજુ અરેના કોમ્પ્લેક્સમાં આવેલા The Ocean Pizzaમાં પિઝા ખાવા માટે ગયેલા પરિવારને કડવો અનુભવ થયો હતો. પિઝામાંથી જીવાત નહીં પરંતુ પ્લાસ્ટિક નીકળ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ચાંદખેડામાં રહેતો એક પરિવાર શ્લોક રેસિડેન્સી રોડ ઉપર સરજુ અરેના કોમ્પ્લેક્સમાં આવેલા The Ocean Pizzaમાં પિઝા ખાવા માટે ગયો હતો. જ્યાં તેઓએ ઓર્ડર કરેલા પિઝામાંથી જીવાત નહીં પરંતુ પ્લાસ્ટીક નીકળ્યું હતું. આ મામલે તેઓએ માલિકને વાત કરતા માલિકે પણ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.
View this post on Instagram
જોકે, બાદમાં તેઓએ પોતાના મિત્રને ફોન કરીને સમગ્ર હકીકત જણાવતા તેમના મિત્ર સ્થળ પર પહોંચ્યા હતા. જે બાદ તેઓ The Ocean Pizzaના કિચનમાં જતાં તેઓની આંખો પહોંળી થઈ ગઈ હતી. કારણ કે કિચનમાં તો ઊલટી થઈ જાય તેવી ગંદકી હતી, સાથે જ કિચનમાં સડેલા બટાકા અને ફૂગ વળી ગયેલી બ્રેડ પડી હતી. જેનો તેઓએ વીડિયો પણ ઉતાર્યો હતો.
આપને જણાવી દઈએ કે, બ્રાન્ડેડ પિઝા હોય કે અન્ય પિઝા આઉટલેટ હોય તેમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ આવી હોટલ રેસ્ટોરન્ટ કે આઉટલેટમાં ક્યારેય સરપ્રાઈઝ ચેકિંગ કરતી કે પછી કોઈ કડક કાર્યવાહી પણ કરતી નથી. જેથી આવા આઉટલેટના માલિકો બેફામ બની રહ્યા છે અને ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું….