અમદાવાદ: ભાર વિનાનો અભ્યાસ અને શિક્ષાનું દાન સૌ બાળકો સુધી પહોંચે તે માટે AMC અને શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. આ બંનેના સહિયારા પ્રયાસથી ગરીબ બાળકો માટે નવી બાલવાટિકા બસ શરૂ કરાઇ છે. આ બસનો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જજ બીરેન વૈષ્ણવે શુભારંભ કરાવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, AMC અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સૌ પ્રથમવાર વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. અમદાવાદમાં સૌ પ્રથમવાર 6 વર્ષથી નાની ઉમરના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સિગ્નલ સ્કૂલ બસની માફક બાલવાટિકા બસ શરૂ કરવામાં આવી છે. આ બાલવાટિકા બસ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે આ પ્રોજેકટનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ બસમાં બાળકો માટે રંગબેરંગી પુસ્તકો, નોટબુક, રમકડાં,ગીતો ઇન્સ્ટોલ કરેલ હોય તેવા TV સેટ, બ્લેક બોર્ડ અને પાણી ની સુવિધાથી સજ્જ છે. સ્કૂલ વેનમાં બે શિક્ષકો રહશે અને બાળકોને અભ્યાસ કરાવશે. આ બસમાં એક વર્ષ સુધી બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે અને ત્યારબાદ તેમને નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે. પાયલોટ પ્રોજેકટ અંતર્ગત આ બસ સાબરમતી વિસ્તારમા ફરશે અને બાળકોને અભ્યાસ કરાવશે.