અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટર લગાડવા સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે વડોદરા, સુરત બાદ અમદાવાદમાં પણ વિરોધ સાથે થાળીઓ વગાડવામાં આવી હતી.સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ લૂંટ ચાલતી હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે. થાળી, ચમચી લઈને સ્થાનિકો તંત્ર સામે હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નરોડાની પ્રથમ પ્રાયોરિટી સોસાયટી અને આસપાસની કેટલીક સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જે સ્માર્ટ મીટરમાં વધુ બિલ દર્શાવતા સ્થાનિકો નરોડ જીઈબીની ઓફિસ જઈને થાળી-ચમચી વગાડીને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ લોકો મોટે મોટેથી ‘બંધ કરો બંધ કરો સ્માર્ટ મીટર બંધ કરો’ જેવા નારા પણ લગાવ્યા હતા.સ્થાનિકોનો એવો પણ દાવો છે કે, સોસાયટીના લોકોને કોઈપણ જાતની જાણ કર્યા વિના અને વિશ્વાસમાં લીધા વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા.
સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોની એકમાત્ર માંગ છે કે, તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર બંધ કરવામાં આવે કારણ કે, સ્માર્ટ મીટરમાં મહિનો પૂરો નથી થતો અને 3,000થી 4,000 સુધીનું બિલ બતાવવા લાગે છે. જે સાદા મીટરમાં 2 મહિનાનું વીજ બિલ 2 હજાર સુધી આવતું હતું. સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે સ્થાનિકોએ થાળી-ચમચી વગાડીને નારા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.