અમદાવાદ: શહેરમાં માતા-પિતાની ભૂલનાં કારણે નબીરાઓ બેફીકરાઈથી ગાડી ચલાવી અકસ્માત સર્જતા હોય છે. જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. થલતેજ વિસ્તારમાં ફોરચ્યુનર કિશોર કારચાલકે અક્સ્માત સર્જતા સગીરાનું મોત થયાનું સામે આવ્યું છે. યુવતીનું મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત તારીખ 31મી મેની સાંજે થલતેજ વિસ્તારના આવેલ સાંદિપની સોસાયટી નજીક એક ફોરચ્યુનર કારચાલકે 16 વર્ષીય સગીરા દીપા પ્રજાપતિને હડફેટે લીધી હતી.દીપા પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફોરચ્યુનર ચાલક કિશોર અવસ્થાનો હતો અને હેબતપુર વિસ્તારમાં જ રહે છે અને છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારે સ્પીડમાં કાર ચલાવતો હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે ટ્રાફીક પોલીસે કિશોર કારચાલકના ભાઈ અને પિતા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ટ્રાફીક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે ફોરચ્યુનર કારથી અક્સ્માત સર્જાયો છે તે માટે કિશોર કાર ચાલકમાં ભાઈ નિલેશ ભરવાડની હતી. ત્યારે ટ્રાફીક પોલીસે કિશોર અસ્વથાના સગીરને ડ્રાઈવિંગ લાઇસન્સ વગર કાર આપવા બદલ પિતા ગોવિંદ ભરવાડ અને ભાઈ નિલેશ ભરવાડ પર પણ ગુનો નોંધીને ધરપકડ કરવાનો તજવીજ હાથ ધરી છે.