અમદાવાદ : અમદાવાદમાં ખતરનાક ચાંદીપુરા વાઇરસની એન્ટ્રી થઈ છે. અમદાવાદના ચાંદલોડિયા અને આંબાવાડીમાં એક-એક બાળક દાખલ કરવામાં આવ્યા છે. તેઓને ચાંદીપુરા વાઇરસ થયો હોવાનું માનવામાં આવે છે. આના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી પહોંચ્યું છે. તેણે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આમ રાજ્યના આઠ જિલ્લામાં હવે ચાંદીપુરા વાઇરસ ફેલાઈ ચૂક્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સિવિલમાં સુરેન્દ્રનગરના પાટડીમાંથી એક, દહેગામમાંથી એક, અરવલ્લીમાંથી એક, ધનસુરામાંથી એક બાળક હાલ સારવાર હેઠળ છે. તો બીજી તરફ મહેસાણાના ખેરાલુમાંથી જે બાળકની સારવાર ચાલી રહી હતી તે બાળકનું મોત નીપજ્યું છે. આ વાયરસ 9 મહીનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. બાળકોમાં અચાનક શરીરમાં ફેરફાર થાય છે, જેમાં ભારે તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગ ના મુખ્ય લક્ષણો છે.
ચાંદીપુરા વાયરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આ વાયરસ ધીમે ધીમે અલગ અલગ જિલ્લાઓમાં ફેલાયો છે.