અમદાવાદ : ઘાટલોડિયા સ્થિત જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે આનંદ અને ભક્તિ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણ જન્મ જન્માષ્ટમીના શુભ અવસરે આ ઉત્સવને ખાસ શાળાના કેમ્પસમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના બાળકો તથા શિક્ષકો ભક્તિમય વાતવારણમાં મગ્ન બન્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા અને શ્રી આદ્યશક્તિ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની શાનદાર ઉજવણી કરવામાં આવી. જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળાના 200 અને શ્રી આદ્યશક્તિ પ્રાથમિક શાળા 250 થી વધારે વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓએ ગોરા કુંભાર એકાંકી, કુંવરબાઈનું મામેરુ, મટકી ફોડ, રાસ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોએ રાધા-કૃષ્ણ બની જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરી હતી. તેનો તમામ વિદ્યાર્થીઓએ આનંદ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો દ્વારા મૂર્તિમંત પ્રેમ, શાંતિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવવાનો હતો.
જન્માષ્ટમીની ઉજવણીના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડેકોરેશન રહ્યું હતું. જેમાં કેળાથી ગોવર્ધન પર્વત ડેકોરેશન વાળી માટલી, વાંસળી, મોરપીંછ અને રંગોળી એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ઘાટલોડીયા વિસ્તારના પ્રજાજનો પણ આ પ્રસંગનો આનંદ લેવા ઉમટી પડ્યા હતા. કાર્યક્રમના અંતમાં આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો હતો.
આ અગાઉ શાળામાં સૈનિક કલ્યાણ નિધિ ફંડ પ્રોત્સાહન કાર્યક્રમ યોજાઈ ગયો. દેશ માટે શહીદ થયેલ થઈ પોતાની કુરબાની આપી દેનાર શહીદોના અને દેશની રક્ષા કરતા અપંગ બનેલા નિ:સહાય પરિવારોને મદદ કરવાના ઉદ્દેશથી સૈનિક કલ્યાણ નિધિ ફંડ પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર પ્રોફેસર ગજેન્દ્રસિંહ રાઠોડ અને પૂર્વ આચાર્ય રાજેન્દ્રકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને સૈનિક ફંડ માટે પ્રોત્સાહિત કર્યા અને ભવિષ્યમાં સેનામાં અધિકારી બનવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.