અમદાવાદ : અમદાવાદનાં પાનકોરનાકા વિસ્તારમાં આગની મોટી દુર્ઘટના ઘટી હોવાનાં સમાચાર મળ્યા છે. પાનકોરનાકા વિસ્તારમાં આવેલા રમકડાં અને કપડાંનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ છે કે ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.ફાયર બ્રિગેડ દ્વારા ફેન મૂકીને હાલ ધુમાડો બહાર કાઢવાની અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં પાનકોર નાકા ખાતે આવેલા કોમ્પ્લેક્સના ભોયરામાં આ દુકાન અને ગોડાઉન આવેલું છે, જેમાં મોટા પ્રમાણમાં બંગડીઓ અને અન્ય સામાન પડ્યો હતો. જેમાં આગ લાગવાની ઘટના બની હતી.ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. જોતા જોતા આગ ખૂબ જ વિકરાળ બની જતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. જો કે, સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની જાણ કરતા ફાયરની 10 જેટલી ગાડીઓ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી.
જોકે ભોયરામાં દુકાનો હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો થયો છે. ભોયરામાં હોવાના કારણે અને સાંકડી જગ્યા હોવાથી ફાયર બ્રિગેડની ટીમને કાબુમાં લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી હતી. હાલ ધુમાડો બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમો કામ કરી રહી છે. વેન્ટિલેશનના અભાવના કારણે ધુમાડો બહાર નીકળી રહ્યો નથી. ફાયર બ્રિગેડ દ્વારા ફેન મૂકીને હાલ ધુમાડો બહાર કાઢવાની અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.