અમદાવાદ : નવરાત્રિ પર્વને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થ વેચતા એકમોમાં તપાસ કરાઈ રહી છે. પુષ્પકુંજ પાસે આવેલા ગાંઠીયા રથના એકમને તેલમાં ટોટલ પોલાર્ડ કમ્પાઉન્ડ વધુ માત્રામાં મળી આવતા ફુડ વિભાગે સીલ કર્યુ છે.નરોડા વિસ્તારમાં આવેલા જી.આઈ.ડી.સી. પાસેેના વિવિધ એકમોમાં રાખવામાં આવેલો હલવા તથા સ્વિટનો 3315 કિલોગ્રામ રુપિયા 6.36 લાખનો જથ્થો સીઝ કરાયો છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદમાં AMCના ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે. નવરાત્રી દરમિયાન અનેક જગ્યાએ ખાણીપીણીના સ્ટોલ અને મીઠાઈનું વેચાણ વધુ થતું હોય ત્યારે 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં 448 ખાદ્ય એકમોની તપાસ કરી હતી.પુષ્પકુંજ સર્કલ પાસે આવેલા ગાંઠીયા રથના એકમમાં તેલમાં ટોટલ પોલાર્ડ કમ્પાઉન્ડ ૨૫ની મર્યાદામા હોવા જોઈએ એના બદલે 37.5 જોવા મળ્યા હતા.નવરાત્રી દરમિયાન બે દિવસમાં 104 ફૂડ સ્ટોલમાં તપાસ કરી ત્રણ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા છે. 66 નોટિસ આપી 26000 ચાર્જ વસૂલ કર્યો છે.
નવરાત્રિ પર્વ દરમિયાન મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા સ્થળ ઉપર જ તેલ અંગેના ટી.પી.સી.ટેસ્ટ કરવામા આવ્યા છે.ફુડ વિભાગની ટીમ દ્વારા નરોડા જી.આઈ.ડી.સી. પાસેના એકમોમાં તપાસ હાથ ધરાતા વિવિધ એકમોમાંથી 1365 કિલોગ્રામ હલવા તથા 1950 કિલોગ્રામ બરફી સહિત અન્ય સ્વિટનો જથ્થો સીઝ કરાયો છે.વિવિધ મીઠાઈના સેમ્પલ લઈ ફુડ વિભાગે લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે.
29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં 448 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. મીઠાઈના 34, દૂધ અને દૂધની બનાવટોના 10, ખાદ્ય તેલના 09, મસાલાના 02, બેસન – સોજીના 04 અને અન્ય 33 એમ કુલ 93 નમૂના લેવામાં આવ્યા છે. 177 જગ્યાને નોટિસ આપી છે. 228 કિલો અને 194 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નિકાલ કર્યો છે. રૂ. 7.73 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.