અમદાવાદ : શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાઓ પર હવે ડેવલપમેન્ટ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાણીપના GST સહિત અન્ય બ્રિજની નીચે બોક્સ ક્રિકેટ, ઇન્ડોરગેમ, ચિલ્ડ્રન પ્લે એરીયા સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બ્રિજની નીચે બોક્સ ક્રિકેટ બનાવવા માટેનો સૌપ્રથમવાર નિર્ણય કરવામાં આવ્યો છે. 2.67 કરોડની ખર્ચે આ વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશનમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, રાણીપ GST બ્રિજ નીચે અંડરસ્પેસ ડેવલપ કરવા માટે 2.67 કરોડમાં એજન્સીને કામગીરી સોંપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લેન્ડસ્કેર ગાર્ડન વીથ પ્લાન્ટેશન અને બેઠક વ્યવસ્થા, બાળકો માટે પ્લે એરીયામાં રોકેટ શેપ મલ્ટી પ્લે સ્ટેશન, ક્રાવલીંગ ટનલ, મેરી ગોલ્ડ પ્લેટફોર્મ તથા અન્ય સેવાઓનો સમાવેશ થશે. તે સિવાય બોક્સ ક્રિકેટ અને ઇન્ડોર ગેમ સહિતની સુવિધા પણ હશે. ડેકોરેટીવ સ્કલ્પચર, ઇપીડીએમ ફ્લોરીંગ, ફુડ સ્ટોલ, ડેકોરેટરીવ પેઇન્ટીંગ અને લાઇટીંગનો પણ સમાવેશ થાય છે. 12 મહિનામાં આ સુવિધાઓની કામગીરી પુર્ણ થશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું સામાન્ય રીતે બ્રિજની નીચેની જગ્યામાં સિનીયર સિટીઝન પાર્ક, ગાર્ડનીંગ બાળકોના રમતગમત માટેની જગ્યાની સુવિધા ઉભી કરીને જગ્યાને એક તરફ સુશોભીત કરવામાં આવે છે. રાણીપ GST બ્રિજ સિવાય પણ પશ્ચિમ ઝોનમાં આવેલા કેટલાક બ્રિજ નીચે આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.