અમદાવાદ : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે, આરોપીઓમાંથી એક આરોપીએ મહિલાનો વેશ ધારણ કરી લૂંટ કરવા ગયો હતો, જેથી પોલીસથી બચી શકે.
ક્રાઇમ બ્રાન્ચે આરોપી નીતિન છારા અને રાકેશ છારાની લૂંટ કેસમાં ધરપકડ કરી છે. આ બન્ને આરોપી રીઢા ગુનેગાર છે અને ગુનો કરી પોલીસના હાથે પકડાય નહિ માટે આરોપીએ લૂંટ કરવા મહિલાનો વેશ ધારણ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ બાતમીના આધારે બન્ને આરોપી ઝડપી લઈ 18 કિલો ચાંદીના દાગીના કબ્જે કર્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ છેલ્લા 3 દિવસથી ફરિયાદીની દુકાન જે માણેકચોકમાં આવેલી છે ત્યાંથી રેકી કરી રહ્યા હતા. રેકી કર્યા બાદ તમામ લોકોએ પ્લાનિંગ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે CCTVમાં એક મહિલા આરોપી પણ દેખાઈ રહી હતી પરંતુ તે મહિલા આરોપી નહીં રાકેશ હતો અને પોલીસથી બચવા તથા પોલીસને ગેરમાર્ગે દોરવા આ વેશ ધારણ કર્યો હતો. આ લોકો સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.
પકડાયેલ આરોપીની પૂછપરછ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બે પકડાયેલા આરોપી સાથે એક વોન્ટેડ આરોપી દિવ્યાંગ રાઠોડ લૂંટ કરવા ગયો હતો. લૂંટ સમયે ફરાર આરોપી દિવ્યાંગ ટુ વ્હીલર ચલાવતો હતો. જેમની પાછળ આરોપી રાકેશ છારા બેઠો હતો. આરોપી રાકેશ છારાએ મહિલાનો વેશ ધારણ કરી ચાંદીના દાગીના ભરેલ બેંગ લૂંટી હતી. બાદમાં ત્રણેય ફરાર થઈ ગયા હતા. ચાંદીના દાગીના વેચવા માટે સોની દુકાનમાં જાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઝડપાઈ ગયા આ સાથે જ ત્રણેય આરોપી લૂંટના મુદ્દામાલ એક સરખે ભાગ કરવાનો હતો.
ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી નીતિન વિરુદ્ધ ચોરી, લૂંટનાં અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ અને પુનામાં ગુના નોંધાઈ ચુક્યા છે. આરોપી રાકેશ છારા વિરુદ્ધ ચોરી અને લૂંટના મહેસાણા, નડિયાદ, અમદાવાદ અને કડીમાં ગુના નોંધાયા છે. ત્યારે વોન્ટેડ ફરાર આરોપી દિવ્યાંગ રાઠોડનાં અમદાવાદમાં પાંચ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી પકડવા શોધખોળ હાથ ધરી છે.