અમદાવાદ : સાયબર ક્રાઇમમાં સૌથી વધારે ડિજિટલ અરેસ્ટ કરી લાખો-કરોડો રૂપિયા પડાવનારી ગેંગ સક્રિય છે, ત્યારે નારણપુરા પોલીસે ડિજિટલ એરેસ્ટ કરી લોકોના લાખો રૂપિયા પડાવનાર ગેંગના ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે.યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 4.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ રૂપિયા પડાવી લીધા બાદ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. આરોપીઓએ સમગ્ર દેશમાં અનેક લોકો પાસે થી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી યુવતીને 13થી 14મી ઓક્ટોબરના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ તેને કહ્યું હતું કે, થાઇલેન્ડ મોકલાવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારબાદ બીજો ફોન કરી યુવતીને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવીને જુદીજુદી એજન્સીઓનાં બનાવટી કાગળો બતાવ્યા હતા અને ફરિયાદીની વિગતોની પીડીએફ ફાઈલ પણ મોકલી આપી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા આરબીઆઇમાં જમા કરાવવા પડશે. વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહીને બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા તેમજ પર્સનલ લોન એમ કુલ રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લીધા હતા.
આ ઘટના અંગે નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ વી જે ચાવડાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છેતરપિંડીના નાણાં અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરીને વિદેશમાં મોકલવામાં આવ્યા હતા. જેથી ટેકનીકલ સર્વલન્સના આધારે પોલીસે શંકરલાલ ચૌધરી (રહે.બાલોતરા, રાજસ્થાન) સહિત કુલ 12 યુવકોને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી પોલીસે 2 લેપટોપ, 17 મોબાઈલ, 11 ચેકબુક, 8 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ચાઈનીઝ હેન્ડલરો ટેલીગ્રામ મારફતે અલગ અલગ ચેનલ બનાવી તેમાં સભ્યોને એડ કરી લોભામણી જાહેરાતો આપી તગડું કમિશન કે ઊંચા પગાર આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવી, જેમાં ફ્રોડના રૂપિયા ડિપોઝિટ કરાવે છે. ડિજિટલ એરેસ્ટ કરતી આ ગેંગના મુખ્ય આરોપીઓને પકડવા માટે હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે શંકરલાલ ચૌધરી ચાઇનીઝ ગેંગ માટે ગુજરાતમાં કામ કરતો હતો. જેમાં તે બાલોતરા જિલ્લામાં રહેતા લોકોને કમિશન આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને તેનો આઇડી અને પાસવર્ડ ચીનમાં રહેલા લોકોને મોકલી આપતો હતો. જેના આધારે છેતરપિંડીના નાણાં ભારતના સ્થાનિક બેંક એકાઉન્ટની મદદથી ચીનમાં લઇ જવામાં આવતા હતા. આ અંગે નારણપુરા પોલીસે ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.