અમદાવાદ : અમદાવાદ શહેર સતત હરણફાળ વિકાસ કરી રહ્યું છે. અહી નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે. ઓલિમ્પિક માટે તૈયારી કરી રહેલા અમદાવાદના કાયાપલટ થવા જઈ રહી છે. આવામાં અમદાવાદમાં એક મહત્વના પ્રોજેક્ટના ડેવલપેન્ટની જાહેરાત કરાઈ છે. જોકે, આ પ્રોજેક્ટ માટે અમદાવાદનો એક મહત્વનો રસ્તો આજથી કાયમ માટે બંધ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વની જાહેરાત કરાઈ છે. ટ્રાફિક પોલીસ અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત જાહેરાત કરાઈ કે, RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ હવે આજથી કાયમ માટે બંધ થયો છે. હોટલ આશ્રયથી કાર્ગો મોટર સુધીનો માર્ગ કાયમ માટે બંધ રહેશે. તમામ પ્રકારના વાહનવ્યવ્હાર માટે માર્ગ કાયમ માટે બંધ કરાયો છે. શુક્રવારે મધરાત 12 વાગ્યાથી તેનો અમલ શરૂ થયો. અગાઉ હંગામી ધોરણે તેનો અમલ કરાયો હતો. જોકે, હવે તેને સદંતર બંધ કરાયો છે. અમદાવાદના વાહનચાલકો માટે વિવિધ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વિશે માહિતી આપતા પશ્ચિમ ટ્રાફિક વિભાગના DCP નીતા દેસાઈએ જણાવ્યું કે, વાહનચાલકોને લઘુત્તમ મુશ્કેલી પડે એવી વ્યવસ્થા કરાઈ છે. તમામ જરૂરી દિશા નિર્દેશ માટે સાઈનેજીસ લગાવવામાં આવ્યા છે. આશ્રમ મુલાકાત માટે આવતા પ્રવાસીઓ માટે પણ બંને તરફ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રોજેક્ટ કામગીરી અને આશ્રમ મુલાકાતીઓને કોઈ વિક્ષેપ ન પડે એ માટે વ્યવસ્થા કરાઈ છે. ફ્રી લેફ્ટ ટર્ન અને પીક આવર માટે ટ્રાફિક પોલીસનું વિશેષ આયોજન કરાયું છે. D માર્ટ તરફ અને કાર્ગો મોટર તરફ પણ વધુ પોલીસ જવાનો મુકવામાં આવશે.