અમદાવાદ: એક શંકાકુશંકા લગ્નજીવનમાં કેટલી ઘાતક સાબિત થઇ શકે છે તેનુ ચોંકાવનારું ઉદાહરણ અમદાવાદના ઘાટલોડિયામાંથી સામે આવ્યું છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પરિણીતાએ 8મી નવેમ્બરના દિવસે દવા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા પરિણીતાએ તેની માતાને ‘બેડ કે નીચે સુસાઇડ નોટ રાખી હૈ, પોલીસ પૂછે તો બતા દેના..’ તેવો મેસેજ કર્યો હતો અને દવા ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે પરિણીતાના પિતાએ અનેક ફોન કરવા છતાં તેણે ફોન રિસીવ ન કરતા અંતે તેમણે મહારાષ્ટ્રથી ઘાટલોડિયા પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા પરિણીતાએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્ર રાજ્યના પુના જિલ્લામાં આવેલા લક્ષ્મી નંદનવન એપાર્ટમેન્ટમાં 68 વર્ષિય સુરેશચંદ્ર મિશ્રાએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં જમાઇ ગીરીરાજ શર્મા વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે. ગીરીરાજ શર્માની પત્ની પલ્લવીએ પતિના ત્રાસથી પોતાના ઘરે ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ જીવ આપી દીધો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ કરતાં પોલીસને સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પતિના શંકાશીલ સ્વભાવને કારણે આપઘાત કર્યાનો પલ્લવીએ ઉલ્લેખ કર્યો હતો.
પરિણીતાને અગાઉના પતિ સાથે મનમેળ ન આવતા વર્ષ 2011માં છૂટાછેડા લીધા હતા. બાદમાં તેના દીકરા સાથે પિતાના ઘરે રહેતી હતી. જોકે બીજા લગ્ન કરવા માટે તેમણે મેટ્રોમોનિયલ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે મારફતે તેમનો સંપર્ક ગિરિરાજ શર્મા સાથે થયો હતો. જે મૂળ રાજસ્થાનનો છે અને અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જેના પત્ની અગાઉ મૃત્યુ પામ્યા હતા અને બે બાળકો માતા-પિતા સાથે રહે છે.
જોકે પરિણીતાએ તેની સાથે વાતચીત કર્યા બાદ પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સંકલ્પ રો હાઉસમાં રહેતા હતા. લગ્નના એકાદ મહિના બાદ પરિણીતાએ તેના માતાને ફોન કરીને જાણ કરી હતી કે તેનો પતિ નાની-નાની બાબતોમાં બોલાચાલી, ઝઘડા કરે છે, શક વહેમ રાખે છે અને ઘરખર્ચ પણ આપતો નથી. જ્યારે પરિણીતાને જાણ કર્યા વગર દસ-પંદર દિવસ બહારગામ જતો રહે છે.
એટલું જ નહીં, પરિણીતા ગર્ભવતી થતાં તેનું મિસકેરેજ પણ કરાવ્યું હતું અને યોગ્ય સાર-સંભાળ ન રાખતા બે વખત મિસકેરેજ પણ થઈ ગયું હતું. પરિણીતાએ ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરતા તેના પતિએ ઘરનો તમામ ખર્ચ તેણે આપવાનો રહેશે તેમ કહીને તેની સાથે મારઝૂડ કરતો હતો.
પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ તેના માતાને મેસેજ કરીને દવા ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.