અમદાવાદ : ટોક ઓફ ધ ટાઉન બનેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે.હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 118 કરોડ રૂપિયા પહોંચી ગયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે હાટકેશ્વર બ્રિજને લઇને ફરી એક વખત સવાલ ઉઠાવ્યા છે. શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, બે મહિના પહેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 55 કરોડ હતો જ્યારે હવે બે મહિના પછી જ તેનો ખર્ચ વધીને ટોટલ 118 કરોડ થઇ ગયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે આ મામલે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારીપક્ષ ભાજપ દ્વારા ભ્રષ્ટાચારના નમુના એવા હાટકેશ્વર બ્રિજ મામલે બે વર્ષથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ ₹54 કરોડનો ખર્ચ થશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ ખર્ચ વધીને 118 કરોડ રૂપિયા જેટલો થઈ ગયો છે. બે મહિનામાં જ આનો ખર્ચ હવે વધી ગયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તા દિવસો હાટકેશ્વર બ્રિજને લઈને કેમ અસમંજસમાં છે, તેને લઈને મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 2017માં અજય ઇન્ફ્રા નામની કંપની દ્વારા 42 કરોડમાં બનાવવામાં આવ્યો હતો. અજય ઇન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજને 100 વર્ષ સુધી કઇ નહીં થાય પણ પાંચ વર્ષ બાદ જ બ્રિજની મજબૂતાઇ પર સવાલ ઉભા થયા હતા. બ્રિજને 2022માં જનતા માટે બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ બ્રિજને તોડીને નવો બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.