અમદાવાદ: AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. કુવૈસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પેપરમાં સિરીઝમાં ખામી સર્જાતા હોબાળો થયો હતો. પ્રશ્નપત્ર સિરીઝ અને જવાબવહી સિરીઝ અલગ હોવાનો આક્ષેપ કરાયો હતો.વિદ્યાર્થીઓને પેપર પણ 30 મિનિટ મોડુ આપવામાં આવ્યુ હતુ. પરીક્ષા પહેલા એકપણ પરીક્ષાર્થી કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યુ ન હતુ.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં AMC દ્વારા જુનિયર ક્લાર્કની 718 જેટલી જગ્યા પર આજે પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસ શાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન ગેરરીતિ થયાનાં આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, આ પરીક્ષામાં પ્રશ્નપત્ર અને જવાબવહી સિરિઝ નંબર પ્રમાણે અલગ-અલગ આપવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતા કહ્યું કે, 12.30 વાગ્યાનું પેપર 1 વાગે આપવામાં આવ્યું હતું. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ સેન્ટર પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓનો આવાજ બની મીડિયા સાથે વાત કરી હતી.
યુવરાજસિંહના જણાવ્યા મુજબ સરખેજના સેન્ટર ખાતે 9 બ્લોકમાં પરીક્ષા લેવાઈ રહી હતી. જેમા 2 બ્લોકમાં વિદ્યાર્થીઓએ પેપર લખવાનું શરૂ કરી દીધુ હતુ અને 8 નંબરના બ્લોકમાં પેપર આપી દીધુ હોવા છતા લખવાનું શરૂ કરાયુ ન હતુ. પ્રશ્ન ક્રમાંક અને OMR શીટના ક્રમાંક અલગ અલગ હતા. આ અંગે વિદ્યાર્થીઓએ જ્યારે સંચાલકોને રજૂઆત કરી તો વિદ્યાર્થીઓની સાથે અણછાજતુ વર્તન કરવામાં આવ્યુ. તેમને ધમકાવવામાં આવ્યા. કેસ કરવાની ધમકી આપવામાં આવી. પરીક્ષા આપવી હોય તો આપો તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો.
સરખેજ ખાતેના સેન્ટર પર યુવરાજના જણાવ્યા મુજબ 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જેઓ પરીક્ષા આપી શક્યા નથી. અન્ય એક પરીક્ષાર્થી યુવતિનો આરોપ છે કે એક જ બ્લોકમાં પેપર લખવાનું શરૂ થયુ હતુ જ્યારે અન્ય બ્લોકમાં પેપર આપ્યુ જ ન હતુ. આ સમગ્ર છબરડો સામે આવતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે છે અમ્યુકો.ના રિક્રુટમેન્ટ સેલની બેદરકારીના કારણે આ સમગ્ર બનાવ બન્યો છે.
યુવરાજસિંહનું સ્પષ્ટ કહેવુ છે કે OMR ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે AMC અને કુવૈસ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય. યુવરાજસિંહે માગ કરી છે કે AMCની રિક્રુટમેન્ટ સેલની બેદરકારીના પાપે 300 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નથી. આથી આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક લેવામાં આવે.