અમદાવાદ : અમદાવાદમાં બનાવટી ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે. ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે, બનાવટી ડોલરની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મીત્રની મદદથી નકલી ફેક્ટરી ઉભી કરી. ગુગલ પરથી ઓસ્ટ્રેલિયન 50 ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી. ઇમેજ ડાઉનલોડ થઇ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યુ. નોટનું પ્રોડક્શન થઇ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ SOGએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા બનાવટી ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ SOGએ બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર કુલ 151 નોટ, બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપેલ 18 નંગ સીટ, અને ડોલર છાપવાની મશીનરી સાથે કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે. એસઓજીને બાતમી મળી હતી કે, રોનક રાઠોડ નામનો યુવક બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર લઈને માર્કેટમાં વટાવવાની ફિરાકમાં છે. બાતમીના આધારે SOGએ વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ડોલર તેને ખુશ પટેલ નામના વ્યક્તિએ આપ્યા હતા. જેથી પોલીસે તેને પણ ઝડપી લીધો હતો અને બંનેની પૂછપરછ શરૂ કરી હતી.
ખુશ પટેલને મૌલિક પટેલના નામના વ્યક્તિએ આ બનાવટી ડોલર વટાવવા માટે આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે મૌલિકની શોધખોળ શરૂ કરી હતી. SOGએ વટવામાં આવેલ પેલ્ટીનીયમ એસ્ટેટ નંબર 65માં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે આ આખા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગોડાઉન પરથી બનાવટી ડોલરની સીટો, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, પેન ડ્રાઈવ અને ડોલર છાપવા માટેનું મટીરીયલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત પોલીસે ડોલર છાપનાર ધ્રુવ દેસાઈ નામના આરોપીને પણ ઝડપી લીધો છે. આમ હાલમાં પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.