અમદાવાદ : અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નિયમોનો ઉલાળિયો કરી એકાએક 6800 રૂપિયાનો ફી વધારો કરી દેવાયો છે. ચાલુ સત્રએ એકાએક સ્પોર્ટ્સ ફીના નામે 6800 રૂપિયાનો ફી વધારો ઝીંકી દેવાતા વાલીઓ રોષે ભરાયા. ફી વધારા અંગે રજૂઆત કરવા માટે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યા પણ શાળા દ્વારા દાદાગીરી અને મનમાની કરવામાં આવી. વાલીઓને કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ પણ પ્રિન્સીપાલ મળ્યા ન હતા. જેના પગલે વાલીઓએ શાળામાં હોબાળો કર્યો હતો.વાલીઓનું કહેવુ છે કે FRCના નિયમ અનુસાર શાળા ફરજિયાતપણે સ્પોર્ટ્સ ફી લઈ ન શકે. છતા દિવાળી બાદ શરૂ થયેલા શૈક્ષણિક સત્રથી વાલીઓ પાસેથી સ્પોર્ટ્સ ફી માગવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગ્લોગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૂલ દ્વારા નવું સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યા બાદ સ્કૂલ દ્વારા વાલીઓ પાસે નામે 6800 રૂપિયા માંગવામાં આવ્યા છે. જોકે, પ્રથમ સત્રમાં કોઈપણ પ્રકારની લેવામાં આવી નથી પરંતુ, બીજા સત્રથી જ સ્પોર્ટસ ફી માંગતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વાલીઓ આ અંગે રજૂઆત કરવા માટે સ્કૂલે પહોંચ્યા હતા. વાલીઓના જણાવ્યા અનુસાર આગામી સત્રથી સ્કૂલ દ્વારા 15 હજાર રૂપિયા અલગથી સ્પોર્ટ્સ ફી લેવાનું જણાવ્યું છે. અત્યાર સુધીમાં જનરલ ફીમાં જ સ્પોર્ટ્સ ફી ગણાતી હતી પરંતુ, હવે અલગથી સ્પોર્ટ્સ ફી માંગવામાં આવી રહી છે.
સ્કૂલ દ્વારા FRCના નિયમ વિરુદ્ધ જઈને વધારે ફી લેવામાં આવી રહી હોવાનો વાલીઓનો આક્ષેપ છે. વાલીઓ જ્યારે સ્કૂલે રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે સ્કૂલના પ્રિન્સિપલ વાલીઓને મળ્યા ન હતા અને વાલીઓને ધક્કે ચઢાવ્યા હતા. વાલીઓનો એ પણ આક્ષેપ છે કે, સ્કૂલ દ્વારા સ્વેટર માટે પણ ફરજ પાડવામાં આવી રહી છે અને આ સ્વેટરની ગુણવત્તા પણ સારી નથી.