અમદાવાદ: આગામી ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષા યોજાવવાની છે ત્યારે વિદ્યાર્થી સારામાં સારા ટકાએ ઉત્તીર્ણ થાય તે માટે અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે “પરીક્ષા પર્વની ગુરુચાવી”. જેમાં બોર્ડની પરીક્ષામાં મહત્વપૂર્ણ વિષયોના 15 મિનિટના વીડિયો વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવશે, જેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ધાર્યું પરિણામ મેળવી શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા “પરીક્ષા પર્વની ગુરુચાવી” કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સુધીના પ્રત્યેક દિવસે 15 મિનિટનો વીડિયો યુટ્યુબ પર દર્શાવવામાં આવશે. જેમાં યુટ્યુબ ચેનલનું નામ પણ “પરીક્ષા પર્વની ગુરુચાવી” રાખવામાં આવ્યું છે.વીડિયોમાં વિદ્યાર્થીઓને મહત્વના વિષયોની ટિપ્સ મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં શાળાઓમાં શિક્ષકો નથી અને ટ્યુશનમાં જઈ શકે તેવી વ્યવસ્થા નથી તેવા વિદ્યાર્થીઓ આ માધ્યમથી અભ્યાસ કરી શકશે. આ માટે DEO દ્વારા યુટ્યુબ ચેનલ બનાવવામાં આવી છે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે.બોર્ડની પરીક્ષા નજીક આવતા જ વિદ્યાર્થીઓ અવઢવ અનુભવતા હોય છે કે શું વાંચવું અને કેવી રીતે વાંચવું. વિદ્યાર્થીઓની આ અવઢવને દૂર કરવાનો પ્રયાસ અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે.
આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્યના DEO કૃપાબેન ઝાએ જણાવ્યું હતું કે, “પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે તમામ વિષયોની તૈયારી કેવી રીતે કરવી તે અંગે સમગ્ર શહેરની DEO ની અને શિક્ષકોની ટીમ દ્વારા આ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બોર્ડની પરીક્ષામાં જે દર વર્ષે પ્રશ્નો પુછવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને આ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.” ધો. 10 અને 12માં મહત્વપૂર્ણ હોય તેવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટ્સ, સ્ટેટેસ્ટિક્સ સહિતના વિષયોની માહિતી આપવામાં આવશે.