અમદાવાદ: શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં મહિલા પોલીસકર્મીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો. જેમાં આ અકસ્માતની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે રિવરફ્રન્ટ ડફનાળા પાસે આ અકસ્માતની આ ઘટના બની છે. જેમાં એક મહિલા પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુરુવાર રાત્રે ખાડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શારદાબેન ડાભી મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાત તારીખે બીએપીએસ સંસ્થાના કાર્યક્રમના પોલીસ બંદોબસ્તમાં ગયા હતા. બંદોબસ્ત પૂર્ણ કરી પોતાનું એકટીવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરથી તેઓ પસાર થતા હતા ત્યારે એક કારચાલક પાછળથી પૂરપાટ ઝડપે આવ્યો હતો અને શારદાબેનના એકટીવાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે તેઓ રોડ ઉપર પડ્યા હતા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.
ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે