અમદાવાદ : રાજ્યમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓને કોઈનો ય ડર રહ્યો નથી. પોલીસ વિભાગમાં માત્ર પોલીસ કોન્સ્ટેબલ જ નહીં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પણ લાંચ લઈ રહ્યાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવે છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ એક હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. કાર ચાલકને 7 હજાર નો દંડ ભરવો પડશે તેવું કહીને 1 હજારની લાંચ માંગી હતી. ACB એ છટકું ગોઠવીને લાંચ લેનાર કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેર તથા નેશનલ હાઇવે રિંગ રોડ પર આવતા જતા વાહનોને પોલીસ, હોમ ગાર્ડ તથા ટીઆરબીના માણસો વાહન રોકી લોકોને હેરાન પરેશાન કરીને લાંચ લેતા હોવાનું ACBને જાણવા મળ્યું હતું. જેથી ACB એ ડિકોયરનો સંપર્ક કરીને રણાસણ ટોલનાકા પાસે છટકું ગોઠવી હતી. ડિકોયરની ગાડીને ટ્રાફિક પોલીસ સ્ટેશનના લોક રક્ષક કાળુભાઇ ચૌધરીએ ઉભી રાખી હતી. અલગ અલગ દંડ કરીને 7 હજાર રૂપિયા ભરવા પડશે તેવું જણાવ્યું હતું. રકઝકના અંતે 1 હજારની લાંચની માંગ કરી હતી જે લાંચની રકમ લેતા જ ACB એ આરોપીને ઝડપી પાડ્યો હતો. ACBએ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.