અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા બનાવેલ મકાનો જેવા LIG , MIG , HIG શ્રેણીમાં મોટાભાગના જર્જરીત અવસ્થામાં છે. આ બધા મકાનો સરેરાશ ૨૫ થી ૫૦ વર્ષ જુના છે.હાલ સરકાર અને હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલોપમેન્ટ પોલીસી લાવવામાં આવી છે પરંતુ મોટાભાગની હાઉસીંગ સોસાયટીઓમાં અમુક લોકોના દસ્તાવેજ બાકી હોવાથી રિડેવલોપમેન્ટ પ્રક્રિયા ખોરંભે પડી રહી છે.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની વાત માનીએ તો હાઉસીંગ બોડની વર્તમાન પોલીસી અસહ્ય, ત્રાસરૂપ અને અવ્યવહારુ અને સામાન્ય વર્ગને ના પોસાય તેવી છે જેમાં દસ્તાવેજ કરનારે પાછલા ૨૫ થી ૩૦ વર્ષ ના દંડ, વ્યાજ અને વધારાના બાંધકામ પેટે વર્તમાન મહેસુલી જંત્રી પ્રમાણે ચોરસ મીટર દીઠ સરેરાશ રુપિયા ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ થવા જાય છે ઉપરાંત જેટલા વર્ષ જુના મકાન હોય તેના વર્ષ દીઠ રૂપિયા ૧૦૦૦ વહીવટી ચાર્જે રૂપે વસુલ કરે છે.દાખલા તરીકે ૨૦ વર્ષ જુના મકાન પેટે વહીવટી ખર્ચ એટલે ફાઈલ સાચવવાના રૂપિયા ૨૦૦૦૦ હાઉસીંગ બોર્ડ બેફામ રીતે વસુલ કરે છે જેનો કુલ અંદાજીત ખર્ચ એક મકાન દીઠ ૫ લાખ થી ૧૦ લાખ જવા થાય છે જે સામાન્ય જનતાને પોસાય શકે તેમ નથી.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળની માગણી છે કે ભૂતકાળમાં ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ રહીશો માટે રાહત પેકેજ જાહેર કરેલ હતું જેમાં રહીશોના મકાનનું વ્યાજ અને દંડની રકમ સંપૂર્ણપણે માફ કરેલ અને મકાનની મૂળ કિંમતમાં પણ ૧૦ % નું વળતર આપી દસ્તાવેજ નું પેકેજ જાહેર કર્યું હતું અને તેમાં રહીશોએ ઉમળકાભેર લાભ લીધો હતો.વધુમાં વધારાના બાંધકામ પેટે ૧ ચોમી દીઠ EWS માં રૂપિયા ૧૨૦, LIG માં રૂપિયા ૧૮૦, MIG માં રૂપિયા ૪૫૦ અને HIG માં ૬૫૦ રૂપિયા દંડ વસૂલી ને દસ્તાવેજો કરી આપ્યા હતા.
આ સિવાય જે રહીશોએ મૂળ માલિક પાસેથી મકાન પાવર ઓફ એટર્ની થી ખરીદ્યા હતા તેઓની પાસેથી નજીવી ટ્રાન્સફર ફી જેવી કે EWS માં રૂપિયા ૫૦૦ , LIG માં રૂપિયા ૫,૦૦૦ , MIG માં રૂપિયા ૭૫૦૦ અને HIG માં રૂપિયા ૧૦,૦૦૦ ભરીને મકાન માલિકો ને દસ્તાવેજ કરી આપ્યા હતા જેમાં અનેક હસ્તાંતરો ( પાવર ઓફ એટર્ની હોવા છતાં પણ અંતિમ કબ્જેદાર (પાવર ઓફ એટર્ની) પાસેથી ફક્ત એક જ વખત ટ્રાન્સફર ફી વસૂલી દસ્તાવેજ કરી આપ્યા હતા.
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના સભ્ય દિનેશ બારડ અને બિપીનભાઈ પટેલે હાઉસીંગના દસ્તાવેજ મુદ્દે જણાવ્યું છે કે ભૂતકાળની જેમ દસ્તાવેજ માટે સરકાર કે હાઉસીંગ બોર્ડ કોઈ નવુ પેકેજ લાવે તો સરકારને કરોડો રૂપિયાની આવક થઈ શકે એમ છે અને હાઉસીંગ બોર્ડની વિવિધ સોસાયટીઓનો રિડેવલોપમેન્ટનો માર્ગ મોકળો થાય એમ છે.