અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ‘ચલો કુંભ ચલે’ ના નારા સાથે એસટી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. મહાકુંભ જવા માટેની પ્રથમ એસટી વોલ્વો બસને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના અન્ય શહેરોમાંથી પણ વોલ્વો બસ ઉપડે તેવી પણ વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે જેથી કરીને અન્ય શહેરાના લોકો પણ મહાકુંભનો લાભ લઈ શકે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સર્કિટ હાઉસથી આ બસને પ્રસ્થાન કરાવ્યું છે. મંગળવારથી રોજ સવારે 7:00 કલાકે રાણીપથી આ બસ ઉપડશે. યાત્રીઓ માટે ₹8100માં ત્રણ રાત, ચાર દિવસનું પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.ગુજરાત ટુરીઝમ અને એસટી નિગમ દ્વારા ખાસ પ્રયાગરાજ મહાકુંભ માટે આ બસ દોડાવવામાં આવશે. જો કે મહાકુંભમાં જનાર STની વોલ્વો બસો અત્યારથી જ હાઉસફૂલ છે. યાત્રીઓનો ધસારો જતો બસો વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે.
વિશેષ ટ્રેન અને પ્લેનની સુવિધા બાદ હવે બસના માધ્યમથી પણ ગુજરાતના યાત્રીઓ મહાકુંભમાં ડુબકી લગાવવા જઈ શકશે. એક તરફ પ્લેનના ભાડા વધુ છે ત્યારે ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને GSRTC દ્વારા AC વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રી માત્ર 8100 રૂપિયાના ખર્ચે પ્રયાગરાજ પહોંચીને પરત આવી શકશે.
“ચલો કુંભ ચલે”ના સ્લોગન સાથે આ વિશેષ બસ દોડાવાઈ રહી છે. જેનો આજથી શુભારંભ થઈ ચુક્યો છે. ચાર દિવસ અને ત્રણ રાતના આ પ્રવાસમાં એક માત્ર ભોજનનો ખર્ચ યાત્રીઓએ જાતે ઉઠાવવાનો રહેશે. બાકી રહેવાની તમામ વ્યવસ્થા પણ આ પેકેજમાં સામેલ છે. આવતીકાલથી રોજ સવારે સાત કલાકે આ બસ રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે.
આ અંગે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પ્રયાગરાજ કુંભમાં જવા માટે મુસાફરોની સાથે કાર્યકરો પણ જઈ રહ્યા છે. જેથી કરીને કુંભ જઈ રહેલા અન્ય યાત્રિકોની વ્યવસ્થા થઈ શકે. મુસાફરોને કુંભમાં કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા એસ ટી નિગમ દ્વારા કરવામાં આવી છે. વધુને વધુ લોકો મહાકુંભમાં જવાનો લાભ લઈ શકે તે માટે અન્ય શહેરોમાંથી પણ બસો ચાલવાની વ્યવસ્થા કરવામાં આવશે.