અમદાવાદ : શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ થાય તે માટે શહેર પોલીસ કમિશનરે પ્રયાસ હાથ ધર્યા છે. તેવામાં PCBની ટીમે સરદારનગરના એક મકાનમાં PCBએ દરોડો પાડીને દારૂની 1837 બોટલ, વેજલપુરમાં બરફની ફેક્ટરી પાસે જમીનમાં ખાડો ખોદીને છુપાવી રાખેલી દારૂની 501 બોટલ પકડી પાડી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરદારનગરના નોબલનગરમાં વાલ્મીકિ આવાસના મકાનમાં રહેતા બુટલેગર શ્રવણ ઉર્ફે બલિયો ઠાકોર અને અશ્વિન ઠાકોરે ઘરમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી PCB પીઆઈ જે. પી. જાડેજાને મળી હતી, જેના આધારે તેમણે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. જોકે મકાન બંધ હતું અને તેમાં કોઈ હાજર ન હતું. પોલીસે મકાનનો દરવાજો તોડીને તપાસ કરતા તેમાંથી દારૂની 1837 બોટલ (કિંમત રૂ.2.52 લાખ) મળી આવી હતી. પોલીસે દારૂ કબજે કરી ફરાર બંને બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.
ઉપરાંત PCB ની ટીમે વેજલપુરમાં બરફની ફેક્ટરી નજીક એક ઝૂંપડીની પાછળના ભાગમાં ખાડો ખોડીને છુપાવેલી 501 બોટલ પકડી પાડી હતી. જોકે જે જગ્યાએથી દારૂ મળી આવ્યો ત્યાં કોઈ હાજર ન હોવાથી પોલીસે બુટલેગરને પકડવા તજવીજ શરૂ કરી હતી.ઉપરાંત 2 દિવસ પહેલાં પણ PCBએ રામોલમાંથી દારૂની 510, બોડકદેવમાંથી દારૂની 362 બોટલ પકડી પાડી હતી. આમ બે દિવસમાં PCBની ટીમે 4 રેડમાં દારૂની 3201 બોટલ પકડી પાડી છે.
PCBની ટીમે 2 દિવસ પહેલા રામોલના ગંગા એપાર્ટમેન્ટની સિક્યોરિટી કેબિનમાંથી પણ દારૂની 510 બોટલ (રૂ.96,800) પકડી પાડી હતી. ઉપરાંત ઝાયડસ હોસ્પિટલ રોડ પરના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાંથી દારૂની 362 બોટલ(કિંમત રૂ.45,345) પકડી પાડી હતી.ત્યારે આ તમામ કેસોમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવી કોને વેચવાનો હતો અને સ્થાનિક પોલીસની કોઇ ભૂમિકા છે કે કેમ તે બાબતે પણ તપાસ શરૂ કરાઇ છે.