અમદાવાદ: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા લોકોને પોતા-પોતાના દેશ તગેડી મૂકવાનું શરૂ કરી દીધું છે ત્યારે 104 ભારતીયોને લઈને પહેલું વિમાન ગઈકાલે જ અમૃતસર આવી પહોંચ્યું હતું. જેમાં 33 જેટલાં ગુજરાતીઓ હતા. જેમને લઈને એક વિમાન અમૃતસરથી દિલ્હી થઈને અમદાવાદ આવી પહોંચ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમેરિકાથી પરત મોકલવામાં આવેલા તમામ 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે. આજે સવારે તેઓને અમદાવાદ એરપોર્ટ પર લાવીને એક પછી એક લોકોને તેમના જિલ્લામાં લઈ જવામાં આવી રહ્યા છે.અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાં જ આ લોકો તેમના ચહેરા છુપાવતા નજરે ચઢ્યા હતા. જેમના દૃશ્યો હવે સામે આવવા લાગ્યા છે. તેમને લઈ જવા માટે સરકાર દ્વારા પોલીસ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે જે તેમને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડશે.
તમને જણાવી દઈએ કે અમેરિકાએ ડિપોર્ટ કરેલા 205 ભારતીયોમાં 33 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે. આ ગુજરાતીમાં 14 નાગરિકો ગાંધીનગર જિલ્લાના છે. તેમાં પણ સૌથી વધુ માણસા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
જેના પ્રથમ લોટમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 205 ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું “C-17” પ્લેન પંજાબના અમૃતસર એરપોર્ટ પર બુધવારે સાંજે પહોંચ્યું હતું. અમેરિકન એરફોર્સના વિમાનમાં 33 ગુજરાતીઓ પણ આવ્યા હતા. આ 33 ગુજરાતીઓમાં ગાંધીનગરના 14, મહેસાણાના 10, પાટણના 3, અમદાવાદના 2, બનાસકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરાના 1-1 લોકોનો સમાવેશ થાય છે. 33માંથી 15 પુરુષ અને 18 મહિલાઓ છે. 8 સગીર પણ સામેલ છે.